74 - એક ફાગણથી બીજા ફાગણ સુધી / રમેશ પારેખ


એક ફાગણથી બીજા ફાગણ સુધી વાત ફેલાતી ગઈ

તું નીસરી મને લઈ
હું નીસર્યો તને લઈ

આફળવિકળ આંગળીઓ વરસાદ ગોરંભી વરસી રે વરસાદ ગોરંભી વરસી
નદીઓ ભીંસોભીંસ દોડીને વળગી હોઠો સરસી અરે, વળગી હોઠો સરસી
છાતી તો ખાબોચિયાપણું ઠેકતી ગાંડી ફાળમાં સોનલ, દરિયો બની ગઈ

આંખ ચપોચપ જીવતું ખેતર, જીવ ચપોચપ સીમ સીમાડાતોડ ફંગોળા ખાય
કાન તો છાની વાતથી છાની વાત સુધી ઘૂઘવતા ઉપરવાસમાં ડૂબી જાય
આપથી માંડી આપણા સુધી કેટલી બધી સ્હેલસિસોટીચકલી ભેળી થઈ

આળખી મેં જંગલથી લુંબાઝુંબ રંગોળી રે લ્લ્લુંબાઝુંબ રંગોળી રે
પાનથી રેલમછેલ છલોછલ છાંયડી ઢોળી તેં છલોછલ છાંયડી ઢોળી રે
આપણે ચાલી નીસર્યા ખાલી ફળિયું ફેંકી, શેરીયું ફેંકી, ખોળિયું ફેંકી દઈ

(૨૬-૦૪-૧૯૭૩ / ગુરુ)0 comments


Leave comment