75 - તારા હોઠભર્યા બે કાંઠા / રમેશ પારેખ


તારા હોઠભર્યા બે કાંઠા : મારું તરસરિબાયું નામ
નદી જોઈને વસી ગયું મારી બે આંખોનું ગામ.

ગામપાદરે ઊગ્યું રે તગતગવું નામે ઝાડ,
છાતી સુધી ડાળ ઝૂલે તે વહેતો લાગે પ્હાડ,

બરફ ચીંધવા લંબાતી આંગળીઓ અચરજ પામે
અરે, ગયા ક્યાં પ્હાડ, હજુ હમણાં જ ઊભા’તા સામે;

મને મૂકી ક્યાં પગના રેલા ચાલ્યા ખળખળ આમ
તારા હોઠભર્યા બે કાંઠા : મારું તરસરિબાયું ગામ,

સરે માછલી એનું લિસ્સું મને ઘસાતું ભાન,
ખરબચડા જોણાને ફૂટ્યા કંચનવરણા વાન,

છાતીના સથવારા ધીમા ધીમા ફળ્યા હો જી રે
પૂર ભાંભળાં ચારે બાજુ ફરી વળ્યાં હોજી રે

છાતી સાથે ડૂબી ગયા મારા છ અક્ષરના ડામ,
તારા હોઠભર્યા બે કાંઠા : મારું તરસરિબાયું ગામ.

(૦૭-૧૦-૧૯૭૦ / બુધ)


0 comments


Leave comment