78 - ગાતો વરસાદ જોઉં સાંભળું / રમેશ પારેખ


કરમાતાં આંખકાન આંગળીમાં આ તારો ભીનોછમ સાદ જોઉં-સાંભળું

વાદળાંય વાદળાંનો લાગે અભાવ એવું નીરખવું આંખોમાં વ્યાપ્યું
ત્યારે તેં આંખને જ આભ નહીં, પથ્થરના મોરનેય મોરપણું આપ્યું.
અચરજના ઝાડસમો ઊભો હું ધોધમાર ગાતો વરસાદ જોઉં-સાંભળું

પર્વતમાં અર્થ નહીં પર્વતનો, પર્વતને કાગળ વીંધાય એમ વીંધુ
વીતકના ભાર વિષે પૂછે તો આજ તને ઊડતાં પતંગિયાંઓ ચીંધુ
શેરીની ધૂળ જેમ વીખરાતી-વહી જાતી ઘરની મરજાદ જોઉં-સાંભળું

સખી, મને ચારપાંચ કૂંપળ ફૂટ્યા-નો મારો વૈભવ બતાવું આવ તન્ને
અવસરની લુંબઝુંબ લીલીકુંજાર ડાળ હીંચકીએ ધોધમાર બન્ને
એક એક તરણામાં ફંગોળા ખાય છે તે લીલો ઉન્માદ જોઉં-સાંભળું

કરમાતાં આંખકાન આંગળીમાં આ તારો ભીનોછમ સાદ જોઉં-સાંભળું

(૨૭-૦૮-૧૯૭૦ / ગુરુ)0 comments


Leave comment