80 - છાતીએ ન છૂંદાવે મોર / રમેશ પારેખ


દાંડી વગડાવું મારા દેશમાં
કે કોઈ હવે છાતીએ ન છૂંદાવે મોર.

બહુ બહુ તો અહીં ઝાંઝવું જ આપે,
પણ ચોમાસું કોઈ રે ન આપે,
સૌ સૌની છાતીએ ટાંકેલા મોર સાવ
નોધારા સામસામે ટાંપે;
એવી લૂ વરસે કે ખાનગી થઈને
જાણે ત્રાટકી હો બારે બપ્પોર, - દાંડી...

હંસ રે નથી કે આમ લોચનનાં લાલઘૂમ
મોતી ચણીને ઊડી જાશે,
છાતીની સોંસરવા છૂંદેલા મોર
એને ઉતરડી કેમ રે કઢાશે ?
એવું લાગે કે અહીં વાવો ગુલમ્હોર
અને ઊગે છે ભમ્મરિયા થોર.. – દાંડી...

(૧૮-૦૯-૧૯૭૦ / શુક્ર)0 comments


Leave comment