59 - સમય [૨ ] / શ્યામ સાધુ


સમય
કૈં પણ આવરણ વગરનો
અરધો પરધો
સમજેલો નહીં એવો
બહુ ઝડપથી કહું તો પરિચય માત્ર
એનો નામનો જ
છતાંય
બોલાય એના વિષે ગંભીર બની એલફેલ
ક્યારેક એને એકાદ પળના ત્રાજવે તોળાય
ક્યારેક એને વરસોનું ઉપનામ અપાય
ક્યારેક એને અખિલાઈ ભર્યા પીંડે નુભાવાય
ને તોય
ઘડો અરધાનો અરધો સમયનો.
સમય શું સમજ્યો હશે ?
મારા દાદા પરદાદાથી ?
સમય શું લખાયો હશે પૂરો પાધારો
કોઈ ગીતા-બીતા કે બાઈબલમાં ?
સાલું કૈ જ સમજાતું નથી....

લાગે છે
લોલે લોલ કર્યું છે સહુ સુજ્ઞજનોએ.
બાપુ
ઈશ્વર બચાવે આ સમયથી.
સમય, મારા ભાઈ
તેં તો ચોળી ‘ને ચિકણું કર્યું.
ભાઈ, તેં તો કર્યું
ધાર્યા કરતાં અણધાર્યું.

હું તો થાક્યો મારા બાપ !
તારી કરી મીમાંસા,
હું તો હાર્યો હાર્યો
તારું કરી કરીને પિષ્ઠ પિંજણ
અંતે લે આમ તો અમ
મૂક્યું તારું નામ.
પરું કહું તો તારા નામે શબ્દોને કહી કવિતા
દાદુ તારા નામે ચલાવી ભાષાની પાલી
પીધી પીધી પેટ ભરી અર્થોની પ્યાલી
અંતે તોય રહ્યો તું ખાલીનો ખાલી
હાય રે હાય સમય મવાલી....


0 comments


Leave comment