81 - કોઈ કહે કે - / રમેશ પારેખ


કોઈ કહે કે અવસર આવ્યા, કોઈ કહે ઝળઝળિયાં,
મારે મન ઓ ઊડી ગયેલાં તળાવ પાછાં વળિયાં,

ખોબેખોબા ભરી ભરીને દઉં મને પિવડાવો,
હું રઝળું છું બ્હાર, મને મારા ઘરમાં બોલાવો.

કંપસુંવાળા હાથે મારું ભીંતપણું ઢંઢોળો,
અડતાંવેંત જ ઊડશે એમાં ઘરની ધસમસ છોળો.

પંખીના કલરવ સીંચો તરસબાવરાં નળિયાં,
મારે મન તો ઊડી ગયેલાં તળાવ પાછાં વળિયાં.

ખર ખર ખરતી જાય પોપડા વળી ગયેલી સદીઓ,
અંગે અંગે ઊમટે મારે મીરાં નામની નદીઓ.

ચાર આંખની વચ્ચે ઝૂલે બિલ્લોરી અજવાળાં,
લોહી સોંસરાં ટાંકી દીધાં સાચુકલાં પરવાળાં.

તમે મૂકીને ગયાં હતાં ને, એ જ તમારાં ફળિયાં,
મારે મન તો ઊડી ગયેલાં તળાવ પાછાં વળિયાં.

(૦૨-૦૬-૧૯૭૧ / મંગળ)0 comments


Leave comment