83 - હવે – રમેશ પારેખ


હવે પીપળો ન ઊગે પછીતમાં
છાતીમાં એમ તું તો ઘૂઘવતી જેમ કોઈ ઘૂઘવતો હોય ભાવ ગીતમાં

સુખને આકાશ સમું કહીએ છતાંય
થતું કહેવાનું કૈંક હજુ ખૂટે
આવી વસંત નથી ભાળી કે મંજરીઓ
ચીતરેલાં ઝાડનેય ફૂટે
ઓરડાને કલરવથી ભર્યોભર્યો કરવા કૈં ભર્યોભર્યો કરવા –
હું ચકલીનું નામ હવે ચકલીનું નામ નહીં ચકલીનું નામ લખું ભીંતમાં

શેરી પગથાર ભીંત પાદર ને ચોક –
જાણે ડમરીમાં ધૂળ ઊડી જાતી
આટલી ભીનાશ જોઈ એવું થતું કે
આ તો દરિયો હશે કે મારી છાતી
આભમાંથી ખરતી આ કૂણી સવાર આજ ખોબે ઝિલાય –
એની મ્હેકને અડાય, મારો ખોબો છલકાય, બધું તરતું રે જાય,
હવે પ્રીતનોય ભાર નહીં પ્રીતમાં.

(૦૪-૦૯-૧૯૭૦ / શુક્ર)0 comments


Leave comment