85 - કેવળ પ્રશ્ન એક / રમેશ પારેખ


તેં મને લખેલા કાગળ કોરા બની ગયા કઈ રીતે ?
આ મારી છાતીનો પડછાયો પડતો’તો બસ...ભીંતે ?

ભીંત અને કલશોર અને ઘડિયાળ અને એક સાદ અને એક ચૂપ
ચૂપ અને ગુલમ્હોર અને એક ધૂળ અને વરસાદ અને એક સ્તૂપ

પગમાંથી પગલાંઓ ઉર્ફે
જળમાંથી દરિયાઓ ઉર્ફે
ઘરમાંથી સમણાંઓ ઉર્ફે
પગમાંથી પગલાંઓ ઉર્ફે કાબરકબૂતર વીતે....

આમ અને આ તેમ અને આ કેમ અને આ એમ અને આ વ્હેમ
વ્હેમ અને આ જેમ અને આ કેમ અને આ છબી વગરની ફ્રેમ

મકાનમાં પડછાયા બટકે
ખીંટી પર ચુપકીદી લટકે
ફળિયા પાસે ફળિયું અટકે
મકાનમાં પડછાયા બટકે ચૂવે લોહી પછીતે...

(૨૩-૧૧-૧૯૭૪ / રવિ)0 comments


Leave comment