87 - દીવાસ્વપ્નના દુહા / રમેશ પારેખ


મારે ફળિયે પાંગર્યો તમે નામનો છોડ,
પ્હેર્યો લીલો મોડ મારી ખંડરવંતી મેડીએ.

કોઈ રંગોળી પૂરે તોરણ બાંધે કોઈ,
ઘેઘૂર તમને જોઈ હું શણગારું છું આંખને.

ખાલી ઘમ્મર શ્વાસમાં સાત પગથિયે જળ;
થયા થયા ઝળહળ કંઈ બત્રીસ કોઠા વાવના.

હે રસ્તા, ચાલ્યા જજો મારા ઘરથી દૂર,
ઘરમાં આવ્યાં પૂર એને પાછા વળવા નહીં દઉં.

ચશ્માંવંતી આંખ ને કાચ વગરનું સુખ,
સ્પર્શું છું સન્મુખ એક ઝાંઝરભીના દ્રશ્યને.

હું જો લીમડો હોત તો તો આજે કંઈ ઓર,
બની જઈ ગુલમ્હોર હું ઢાંકત આખા શ્હેરને

કોઈ વગાડે ટેરવાં કોઈ રમાડે ફૂંક,
હું તો કલરવતુંક્ એક પંખી થઈ ઊડ્યા કરું.

બરછટ રેખામાં વસ્યું પુંકેસરનું શહેર,
હથેળીઓમાં ન્હેર કાંઈ વહેતી જાય વસંતની.

મેડી પર દીવો બળે એનું નામ જ કાલ,
હું પેટાવું વ્હાલ અને અટકાવી દઉં સૂર્યને.

(૦૩-૧૨-૧૯૭૪ / મંગળ)0 comments


Leave comment