88 - જ્યોતિષીનું ગીત / રમેશ પારેખ


લાવ, મારો હાથ : મારી રેખા વાંચીને મને કહી આપું હાથવગી વાતો

એવું બોલે આ સ્પર્શરેખા કે હું ય કદી દરિયા જેવો જ હતો મિત
છોળમાં પરોવેલું આખ્ખું આકાશ મારી દોમદોમ મળવાની રીત
કાંઠાને, પથ્થરને, ખૂંતેલા વ્હાણને હું ભરતીના બાથ ભરી જાતો.

ક્યારે કરપીણ સર્પરેખાનો રાફડો બન્યો મારો બત્રીસો હાથ
સ્પષ્ટ લગ્નરેખાએ મારા ને લેણદેણકુંવરીના તોડયા સંગાથ
મારા સહવાસભર્યા ટાણે હું રોજ મારા પાળિયે સિંદૂરથી ઘવાતો

જેમ જેમ મંગળના ઉલેચું પ્હાડ તેમ નીકળતા વેદના-જો-ડેરો
મારી હથેળી એવું દર્પણ કે ચહેરાને બદલે દેખાય ફર્યો ફેરો
બેઠાં છે આંગળીમાં સૂર્ય-બુધ-ચક્રો પણ સ્પર્શું ત્યાં અંધકાર થાતો.

લાવ, મારો હાથ : મારી રેખા વાંચીને મને કહી આપું હાથવગી વાતો.

(૨૨-૧૧-૧૯૭૧ / સોમ)0 comments


Leave comment