89 - ...ત્યાં / રમેશ પારેખ


સોનલ, તારું નામ લખ્યું ત્યાં હાથ સફાળો બની ગયો ખિસકોલી
કેવડિયાની ફણશે ઊઘડી બંધ ભીંત પરભારી
બારીને વનપંખીઓએ ટહુકાથી શણગારી
નખથી નાની માછલીઓને પડતા ટૂંકા
પર્વત જાણે રમતા રમતા દડી પડેલા કૂકા

આભા પવન મન પાણી પળની સમથળ એક જ બોલી
બધા સૂર્યનો ગજરો ત્રણ અક્ષરની ટોચે
છાતી ઊડતી પતંગ થઈ આકાશ ઠેકતી પ્હોંચે
પાંપણ ઉપર આમ કળાયલ મોર રમે કે આંસુ
કશું જ ના સમજાય એટલું લસલસતું ચોમાસું

દરિયો આખ્ખા જળનો છાનો વૈભવ બેઠો ખોલી

(૦૯-૦૩-૧૯૭૭ / બુધ)0 comments


Leave comment