91 - તમસા, તમસા, તું પણ... / રમેશ પારેખ


સમણાંભીનાં લોચન સાથે સવાર ઝમરખ ખૂલે
પાંખનો પચરંગી કલરવ નેવે ઝરમર ઝૂલે

કલરવ ભેળું નેવું દદડી ઝરમર વહેતું જાય
અચરજનાં પરબીડિયાં મારા સંભવમાં વહેંચાય

નહીં લીમડો નહીં ચોમાસું તોય ઝકૂંબે મોર
અવાવરું ઘર બોલી ઊઠ્યું : ‘હું તો છું ગુલમ્હોર’

કોઈ પ્હોરમાં શેરી બૂડે, કોઈ પ્હોરમાં ડેલી
કોઈ પ્હોરમાં બૂડી જાશે તરફડતી અમરેલી

અને તમારો પગરવ મારી છાતીમાં પથરાશે
એક ઠરેલા દીવા ફરતું અજવાળું વીંટળાશે

વીંટળાતા અજવાળે ગળશે કોયલવરણી રાત
ખૂટી જશે બે હોઠ એટલી કલકલ વહેશે વાત

સવારને હું પાંપણ નીચે સંતાડીને જોઈશ
તમસા, તમસા, તું પણ નીંદર, હું પણ સપનું હોઈશ

(૧૫-૦૬-૧૯૭૧ / મંગળ)



0 comments


Leave comment