92 - ફાંસી પહેલાંની ઇચ્છા / રમેશ પારેખ


- ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું કે
વડના ખાલીછમ છાંયાને ટગરટગર વળગી પડી રોઈ લેવું છે

એકલુંભૂલું બકરીબચ્ચું ઊંચકી ને પસવારીને છાતી
જોઈ લેવી છે નદીએ કોઈ છોકરી છાનુંછપનું ન્હાતી

થોરનું લીલું પાન તોડીને મા સમોવડ દૂધને ઝરી પડતું જોવું
મારગે કદી થડમાં કોર્યા નામને કહી ‘આવજો’ છેલ્લી વાર વછોવું

સીમમાં નીહળ આ ઘટાટોપ ભાનને ફરી ખોઈ લેવું છે.

માણસોના બોલાશની નાની બચકી બાંધી આંખમાં રાખું
ઘઉંની તાજી ડૂંડીઓ તોડી કલગી માથા બંધણે નાખું
સાંજ ચાખી લઉં, જળ ચાખી લઉં, ટેકરી, બાવળ,
કાગળો, હવા, ધૂળ ચાખી લઉં
દેવરો-આણલદેના દુહા ગાઉં ? ના, ગોફણ લઈ
પાંચીકો દૂર નાખી દઉં

બસ, આ ફાંસીગાળિયામાંથી જન્મ્યા સુધી જોઈ લેવું છે.

(૧૪-૧૨-૧૯૭૧ / મંગળ)0 comments


Leave comment