93 - મારા ઘઉંમાં બેઠો મોર / રમેશ પારેખ


આખ્ખું ખેતર આજ તો એની મનની માનેલ ઢોલ
કે મારા ઘઉંમાં બેઠો મોર
ટહુકો શેઢા તોડતો વહી જાય છે રેલમછેલ કે મારા ઘઉંમાં બેઠો મોર

ઝાડવાંઓએ પાથર્યા કૂણાં છાંયડાનાં આસન
સીમને રોમેરોમ ચંપાતો હાંફભર્યો પવન
મદથી ફાંટફાટ ભરાયાં સીમનાં ખુલ્લાં સ્તન

થોરની કોટે બ્હાવરી ડમ્મર પાન અડોઅડ જીવસટોસટ પડી વેલ
- કે મારા ઘઉંમાં બેઠો મોર

સાવ બે સગાં પંથ ને કેડી એકબીજાથી છેટાં
ઘાસના ઘેઘૂર હાથ લંબાવી વળગ્યાં ભેટંભેટા
આભને જોઈ થઈ ગયાં ખાબોચિયાં પાતાળપેટાં

વીરડો ગાળું : વીરડામાં છલકાય બિલ્લોરી મોર ને ભરું આંખની ખાલીહેલ્ય
- કે મારા ઘઉંમાં બેઠો મોર.

(૨૧-૦૯-૧૯૭૫ / રવિ)0 comments


Leave comment