94 - નવાંનક્કોર પાણી અને ખાબોચિયું / રમેશ પારેખ


ઝાંખાં ઝાંઝરછાપ નવાંનક્કોર પાણીને વરણાગી ખાબોચિયું પ્હેરી મ્હાલે
એને તે કઈ વાતની મણા હોય કે જેની આંગળી બારે મેઘ આવીને ઝાલે ?

જયારે જયારે વાદળાં ગોરંભાય ત્યારે હર્રેક નદીને સોળમું વરસ બેસે
અમથો એવો કાંકરોયે વીજળીઓ સામે હોડ માંડે કૌસ્તુભમણિના વેશે

(બોલ, હું મારી આંખ મીંચીને કહી આપું કે
આજ તું ક્યા મારગે તાકી રહેશે ?)
રોજનું ઠુઠું (પણ પોતીકું...)ઝાડ રખે ના હોય તો એની ખાલી જગા સાલે.

ઘાસથી માથાબોળ નાહેલી ચકળવકળ ટેકરી જળાવેગથી લીલીચોળ
એક છાંટોયે એટલો જલદ હોય કે અડી જાય તો રોમરોમમાં ઊઠે સોળ

(એક હતો છોકરો એ ખોવાઈ ગયો ને
દસ માથાંળો દરિયો છોળમછોળ...)
જળ તો કેવળ હોય એ કાંઈ પૂછવા બેસે નહીં કે તને આજ વ્યાપું કે કાલે.

(૦૨-૦૯-૧૯૭૭ /શુક્ર
૦૩-૦૯-૧૯૭૭ / શનિ
૦૪-૦૯-૧૯૭૭ /રવિ
૧૫-૦૯-૧૯૭૭ / ગુરુ)0 comments


Leave comment