95 - વૃક્ષસંવનનાર્થીનું ગીત / રમેશ પારેખ


સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઈ ટપાલી જેમ હું એનાં સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી જઉં
મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું


ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલવારુકો અડકે માનો હાથ - એવું હું ઝાડને અડું
સાવ રે સુક્કા ઝાડને જોઈ થાય કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું.

(૧૩-૦૮-૧૯૭૪ / સોમ)0 comments


Leave comment