96 - નમાયા બાળકનું ગીત / રમેશ પારેખ


જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત

કોઈ અમસ્થા પાણીનો પડછાયો વળગી વળગી ભીની બકી કરત પાંપણમાં
કદીક મારી ડૂબી જવાની હોનારતને માટે મીઠી મળી હોત કારણમાં

અંદર માનો છાલકછાલક સાદ, બ્હાર વરસાદ હાથમાં જળબંબોળો હોત

જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત

માતામાં પગ બોળીને છબછબિયાં ભૂસ્કો ડૂબકી ભૂસ્કા લ્હેર
ભુલામણી વચ્ચેથી સ્તનઝરતી આંગળીએ વળગી પાછો આવત ઘેર

તો પંખીઓ અહીંયાં મારી તળાવ-સુક્કી આંખ મૂકીને ઊડી ગયાં ના હોત
જો દરિયો મારી મા હોત તો મારે પણ મા હોત.

(૧૨-૦૩-૧૯૭૫/ બુધ)0 comments


Leave comment