97 - પોરબંદર તા.૨૫-૧૨-૧૯૭૪ એક ઘટના ધર્માન્તરની / રમેશ પારેખ

એક વાણિયાનો છોકરો કાલે વટલાઈ ગયો દરિયાની નાતમાં

આંખમાંથી કંઠીઓ તૂટી ગૈ, ચૂપ થયા ઝાલરમાં ડંકાતા કાન
દરિયાથી છેવાડે નાંગરેલ છોકરામાં અફળાયાં ભીનાં તોફાન

તો પછી લંગરની જેમ એના પથ્થરમાં ખૂંતેલા હાથ શી વિસાતમાં ?
એક વાણિયાનો છોકરો કાલે વટલાઈ ગયો દરિયાની નાતમાં

દરિયાને પોતાનો સ્વર્ગવાસી બાપ હોય એ રીતે છોકરાએ જોયો
ભાંગેલા છોકરામાં ખૂણે ખૂણે ફરી વળ્યો દરિયાનો હાથ વ્હાલસોયો

છોકરા ને છોકરાની પાણી પાણી આંખ ભળ્યાં પાણીની છાકટી જમાતમાં
એક વાણિયાનો છોકરો કાલે વટલાઈ ગયો દરિયાની નાતમાં

(૨૫-૧૨-૧૯૭૧ * નાતાલ / ઈદ / ગીતાજયંતી)0 comments

Leave comment