98 - મુંબઈ, મિત્રો, દરિયો વગેરે / રમેશ પારેખ


તને કેટલુંય કહી કહીને થાક્યો મનોજ...
અલ્યા, મુંબઈને કાંઠે તો દરિયો પણ છે

પાણી તો ગમ્મે ત્યાં હોય પણ
એના જથ્થાને દરિયો કહી નાખ, મા
(ખાનગીમાં કહેવાની વાત છે :
મેં તો જોયો છે સોનલની આંખમાં)
મુંબઈ તો ઝગમગતી ધૂળ છે
એને મુઠ્ઠીમાં ઝકડીને રાખ મા

ચોપાટી ચીંધી કહેતો’તો અનિલ : અહીં પાણીના વેશમાં ઊભેલું રણ છે

હાથના ઉપાડની પાર છે
અરે, ભીડના સીમાડાની બ્હાર છે
(હળક હળક હલતો હન્કાર છે
સાવ ઓગળતા મનનો વિસ્તાર છે)
સૂંઘીએ તો કેવળ અંધાર છે
અને ડૂબીએ તો જળબંબાકાર છે

મુંબઈ તો પથ્થરનું પંખી છે અને એની ચાંચ પાસે દરિયો વેરેલી ચણ છે

(૨૬-૧૧-૧૯૭૬ / શુક્ર)0 comments


Leave comment