99 - શાણા આસ્તિકોનું ગીત / રમેશ પારેખ


દરિયાની છાંયડીમાં માછલીનું ગામ
અને ગામ મહીં દંતકથા ચાલે
કે ભાઈ, અહીં દરિયો હતો રે ગઈ કાલે...કે જિયો જિયો.

અટકળને છેડે અવાવરું મકાન
એમાં કરીએ હમેશ રાતવાસો
આવી ચડેલ વાટમારગુને કહીએ
કે થંભો, એ દીમના ન જાશો
ભૂલેચૂકેય ક્યાંક દરિયો ચોંટ્યો તો ભૈ,
ભૂવાયે હાથ નહીં ઝાલે... કે જિયો જિયો.

લોહીમાં ઓટ છતાં પાણીના હિલ્લોળા
આંખોને થાય ભેટભેટા
શંખ અને છીપલાં તો હાજરહજૂર,
અને થાનક પણ ક્યાંય નથી છેટાં
માનતાઓ માનો ને બત્રીસાના વીરના
વધેરી દ્યો જીવ તીરભાલે...કે જિયો જિયો.

(૦૫-૦૨-૧૯૭૭૧ / અશુક્ર
૦૩-૦૪-૧૯૭૧ / શનિ
૦૮-૦૪-૧૯૭૧ / શુક્ર)
(સ્મરણ : માધવ રામાનુજ – અમદાવાદ)0 comments


Leave comment