100 - અંધારું અંધારું ઘરમાં ને બ્હાર / રમેશ પારેખ


અંધારું અંધારું ઘરમાં ને બ્હાર
દીવો પેટાવું છું એનો ઉજાસ નથી દેખાતો દીવા મોઝાર.

આંખો ઘૂમે રે નીડભૂલ્યા વિહંગ-શી
ચારે દિશામાં એકધારી
આવો તે અંધકાર કોને ચણ્યો છે
જેમાં આગિયા સમીપ નહીં બારી
રૂંવેરૂંવે હું પારદર્શક ન હોઉં
એમ આવે ને જાય આરપાર.

કંઈયે ન જાણ મને એની : હું સ્થિર
અહીં ઊભો કે જાઉં છું તણાતો
આંગળીમાં ફૂટેલો લીલોછમ ટાચકોય
કાળો અવાજ બની જાતો
મારી ઝળહળતી વેદનાને ટુકડોય
મળે આભનો તો પાડું સવાર.

અંધારું અંધારું ઘરમાં ને બ્હાર
દીવો પેટાવું છું એનો ઉજાસ નથી દેખાતો દીવા મોઝાર.

(૨૬-૦૮-૧૯૬૮ / મંગળ)0 comments


Leave comment