101 - ચટિકાવેધ / રમેશ પારેખ


હાવળ્યને સાંભળી વિંધાઈ ગઈ ચકલી
આથમણા અવતારે ધીંગાણું ફાટ્યું ને
રાતાંબંબોળ થયાં છાંટણાં
જીવતાં જીવતાં રે ઠેઠ જીવ સુધી વાસેલાં
ખુલ્લાંફટ્ટાસ પડ્યાં બારણાં
મંતરેલ માદળિયું ડોકમાં છતાંય
કોઈ શેરીને છેડે ઘા ખાઈ ગઈ ચકલી

છેલ્લું આકાશ પછી ખેપટમાં ખંખેરી
નીકળી ગઈ તીરપાટ ખરીઓ
ચકલીની પાંખોને ઝગમગતી તેગ કહી
ખમકારો કોઈએ ન ભરિયો
જોયું તો પુચ્છથીય પાછળ ઊભેલ છતાં
ઊડતા રૂ જેવી પીંખાઈ ગઈ ચકલી.

(૨૫-૦૧-૧૯૭૧ / શનિ
૧૭-૦૩-૧૯૭૧ / બુધ)0 comments


Leave comment