102 - જનમટીપના કેદીનું (વરસાદી) ગીત / રમેશ પારેખ

કાળી બરાકની બ્હાર મોર બોલે છે (ઉઘાડેછોગ) રહી રહીને
દારોગા, રોક...રોક...મારા બદમાસ કામ ભાગી છૂટ્યા છે મને લઈને

તોફાની વાયરાની ટોળીનો એક ચોર થપ્પો કહેતોક અહીં ચડી ગયો
તારી તોતિંગ ભીંત પાછળની કોટડીમાં સંતાડ્યો હું એને જડી ગયો
કંઠને તપાસી જો કે તારી આલબેલ વહી ગઈ ક્યાં હાથતાળી દઈને
દારોગા, રોક...રોક...મારા બદમાસ કામ ભાગી છૂટ્યા છે મને લઈને

ડૂચો વાળીને મારા હાથઆંખપગનું તેં બાંધેલું પોટકું તો પડી રહ્યું
એવી રીતે હું બહાર ભાગ્યો કે બેટમજી, મારું પગેરું હવે જડી રહ્યું
આવ્યો વરસાદ દાવ દેવા તે જાઉં વળી નહીં તો જવું’તું ક્યા ભઈને
દારોગા, રોક...રોક...મારા બદમાસ કામ ભાગી છૂટ્યા છે મને લઈને
કાળી બરાકની બ્હાર મોર બોલે છે (ઉઘાડેછોગ) રહી રહીને

(૧૮-૦૭-૧૯૭૧ / રવિ)0 comments

Leave comment