104 - પત્તર ન ખાંડવાની પ્રાર્થના / રમેશ પારેખ


(ઉર્ફે છૂટાછેડાની માંગણી)

પત્તર ના ખાંડો, હે મારાં આંખ, કાન ને નાક
ચાલો, અહીંથી છૂટાં પડીએ લઈ સહુ સહુનો વાંક

હે આંખોની જોડ, હું તમને આપું આખો દરિયો
જોવાનું ક્યારેય ન ખૂટે એમ છલોછલ ભરિયો

મને જવા દો જોણાંની પરકમ્મા બહાર જરાક

વિચારના ખખડાટ જીવનું તળિયું છોલી નાખે
મચ્છર કોઈ બૉમ્બ ફૂટવા જેવું બોલી નાખે

તમે ખજૂરીના પડછાયા જેવાં લગભગ રાંક

ભલે તૂટતી લીલાંસૂકાં સપનાંની શ્રીવાસ
મારે મ્હોરી પડવું મારું ગલગોટો આકાશ

તમે કહો તો રસ્તો આપું, તમે કહો તો થાક

(૧૦-૦૩-૧૯૭૪ / રવિ)0 comments


Leave comment