107 - મા ઝળઝળિયાજીની ગરબી / રમેશ પારેખ


તમે કોને મળ્યાં ને કોને ફળ્યાં, મા ઝળઝળિયા
તમે પાંપણના ચોકથી પાછાં વળ્યાં, મા ઝળઝળિયા

હું તો ઓલ્યા જનમના ડૂમે બળું, મા ઝળઝળિયા
તારી કેડીમાં એમ અજવાળું કરું, મા ઝળઝળિયા

મારે કાગળમાં શાહીનાં જાળાં બંધાય, મા ઝળઝળિયા
સાવ ભોંઠપથી હાથ કોઈ એવા ગંધાય, મા ઝળઝળિયા

કોને હરિયાળી વેલથી તોડી લીધો રે, મા ઝળઝળિયા
મને કાચોપાકો જ ક્યાંક છોડી દીધો રે, મા ઝળઝળિયા

આવ, પાંસળીમાં હીંચકા બાંધી દઉં, મા ઝળઝળિયા
તને હીબકે હીબકે ઝુલાવી લઉં, મા ઝળઝળિયા

(૨૧-૦૮-૧૯૭૧ / શનિ)0 comments


Leave comment