108 - દસમી દુર્ગાની ગરબી / રમેશ પારેખ


અમરેલી અમરેલી અમરેલી કે રંગ મા, અમરેલી
તું તો ત્રાજવડે ત્રોફેલી કે રંગ મા, અમરેલી

તારા કંદોરે પાંચસાત શેરી ને ચૌટા ભાળતો રે
કોઈ એકલિયો રજપૂત પોતાના ઘાવ પંપાળતો રે

તારી ખળખળ વહેતી વાતુંમાં લોચન ઊટકે રે
કોણ જાણે રે કેમથી આવ્યો હશે ના છૂટકે રે

તારા આંબલીજાંબલી છણકાઓ જોઈને બોલિયો રે
મારા એકલવાસને ભાંગી ઘડાવું ઢોલિયો રે :

તમે મ્હોલે પધારો મોંહે-જો-ડેરની કુંવરી રે
ત્યાં રીસેભરી તું પંદર પગથિયાં ઊતરી રે

એણે બોલાશે તમને ઝાલ્યાં, અરેરે, અમરેલી
તમે સણસણ શાપ દઈ ચાલ્યાં, અરેરે, અમરેલી

તીર-તલવાર્યું તતડક તૂટી રે જાય, મા અમરેલી
પછી પીળી પાંચમના મેલા ભરાય, મા અમરેલી

પછી પાણીથી પાતળાક પ્હાણા જડે, મા અમરેલી
પછી ડોળા તો ડબ્બ દઈ હેઠા પડે, મા અમરેલી

એક ઉગમણે વાંઝિયામ્હેણું થયો, મા અમરેલી
એક આથમણા નાગની ફેણ્યું થયો, મા અમરેલી

તારી ગરબી જે કોઈ ગાય, શીખે ને સાંભળે રે
એ પોતાની મૂછને ભૂલેચૂલે ના આમળે રે

(૧૯-૦૬-૧૯૭૧ / ગુરુ)0 comments


Leave comment