110 - સમ્મળી બોલે ચિલ્લીલ્લીલ્લી / રમેશ પારેખ


સમ્મળી બોલે ચિલ્લીલ્લીલ્લી...
ખડિંગ દઈને બ્હાર નીકળી (સન્નાટામાં ગરક ગામના અવાવરા)
ઘરમાં ઠોકેલી ખીલ્લીલ્લીલી...

નકશામાં ચીતરી નદીઓમાં વહેવા લાગ્યાં
કે લાગ્યાં વહેવા લાગ્યાં
કે લાગ્યાં વહેવા લાગ્યાં જળ...
આંગળીઓની સુક્કી ટોચે ઝૂલવા લાગ્યાં
કે લાગ્યાં ઝૂલવા લાગ્યાં
કે લાગ્યાં ઝૂલવા લાગ્યાં ફળ...
ટપાલથેલા જેવું ગળચટ ગામ,
ગામની આંખોનાં પરબીડિયાંઓમાં વ્હાલભર્યા કાગળ...
નહીં કૂંપળ નહીં કબાડું મારગ જાતાં નથી ઊતરતી
આડી ઘોઘર બિલ્લીલ્લીલ્લી...

અલ્યા આ જડભરત હોઠ તો ગીત બની ગ્યા
બની ગ્યા ગીત બની ગ્યા
બની ગ્યા ગીત બની ગ્યા ગીત...
સપનાં લાવો કરી બતાવું એને પણ સા –
બતાવું એને પણ સા –
બતાવું એને પણ સાબિત...
કરું સજીવન શુષ્ક ઝાડને, કરું સજીવન મૃત મત્સ્યને, કરું સજીવન ભીંત...

પાંસળીઓમાં ગાંઠ પાંચમી તડાક્ હબળક દરિયો
દરિયો દ...પટેલની ડેલ્લીલ્લીલ્લી...

(૨૬-૦૨-૧૯૭૬ / ગુરુ)0 comments


Leave comment