113 - ચિરપ્રવાસીનું (કામના) ગીત / રમેશ પારેખ


રસ્તાની બે બાજુ લસલસતું ઘાસ હોય...
ઝાડ હોય છૂટાંછવાયાં, પહાડ હોય ધુમ્મસભીંજાયા,
ભરવાડ સીમ બકરીનો ઝાંખો બોલાશ હોય

દેખાતા હોય પીઠ પાછળ છેવાડા મારા ગામમાંથી આવજો-ના હાથ
- ને હાથ જ્યારે છેવટમાં ઝંખવાય સાવ...
એકલાપણાની ઠેસ વાગે-વાગે ત્યાં ભરે પંખીના ટહુકાઓ બાથ
ને બાથમાં હું હિલ્લોળા-હિલ્લોળા થાઉં...

હિલ્લોળા-હિલ્લોળા થાઉં ને માતાના હાથ સમું માથે આકાશ હોય...

આંખોમાં હોય સ્હેજ પ્હાડ, સ્હેજ ઝાડ, સ્હેજ ધૂળ,
સ્હેજ કોઈ, સ્હેજ મ્હેંક
ને કુંજડીનું ઊડતું કતારબંધ ટોળું
એકાદું સસલું દેખાય અને ફરી વળે રૂંવે રૂંવે સસલાની ઠેક
ને આસપાસ સઘળું થઈ જાય ભોળુંભોળું

સઘળું થઈ જાય ભોળું ભોળું ને ખભે પતંગિયાની જેવી હળવાશ હોય...

પંખી થવાના મારા કિસ્સાની આસપાસ હોય એક લિસ્સું આકાશ
ને હોય મને પાંખો ફૂટવાની સ્હેજ પીડ
અંદર ને બ્હાર બધે ઊડવાનું હોય અને હોય ક્યાંક સ્હેજસ્હાજ હાશ
ને નીંદરથી હૂંફહૂંફ હોય મારો નીડ

હૂંફહૂંફ હોય મારો નીડ ને વળી મારો સપનાંની સોંસરો પ્રવાસ હોય...
રસ્તાની બે બાજુ લસલસતું ઘાસ હોય...
(૦૮-૦૮-૧૯૭૩ / બુધ)0 comments


Leave comment