114 - છાયાને (કાનમાં) કહેવાની વાત / રમેશ પારેખ


આવ છાયા, તને કહું એક નહીં સાત
રમેશ પારેખ જેવા લીમડાની વાત

યોનિગંધ જેવું તારું ઉન્માદી ભાન
શણગારે લીમડાનાં વિહવળ પાન

લીમડો સમૂળગો વીંધાય એવી લૂ
છાયા, તારી અઆંગળીઓ અડકે ને છૂ

ઝગમગ વહે તારા સ્તનવંતા ઢાળ
લીમડો ચાંદરણાંનો શગભર્યો થાળ

ચંપો નહીં, નહીં ગુલમ્હોર કે પલાશ
લીમડાનું નામ ખરબચડી સુવાસ

છાયા, તારા વ્હાલની કોયલ સમી રીત
લીમડો કેવળ તેં ગાયેલું એક ગીત

છાયા, તું જો નદી હોત : હું જો હોત જળ
તો હું અમરેલીને કહેત : લે, પલળ...

લોહીમાં તું વરમાળ જેમ ઝૂલ્યા કરે
નથી છાયા, હું તો સૂકો લીમડો ય, અરે...

(૩૦-૦૮-૧૯૭૭ / મંગળ)0 comments


Leave comment