115 - બ્હેરા મનેખને મેળે / રમેશ પારેખ


બ્હેરા મનેખને મેળે ભમ્યા હો રામ, બ્હેરા મનેખને મેળે હોજી
તંબૂ નીચે જ રાત આખી રમ્યા હો રામ, બ્હેરા મનેખને મેળે હોજી

મેળામાં કોઈ ભટ્ટ બ્હેરોભટ્ટાક કરે વડવાની શૂરભરી વારતા હોજી
વડવા તો એવા કે બેઉ કાન ફેંકીને ત્રાડંતી હોહાને મારતા હોજી

સાવ જોતજોતાંમાં બ્હેરીડિબાંગ ડાળ બ્હેરાના કાનમાં ઊગે હોજી
બ્હેરાના કાન, પાંખ આવ્યાના ઘેનમાં, બ્હેરાછમ આભમાં પૂગે હોજી

ભમતો ભમતો રે સાવ હાંફી ગયેલ કોઈ આવ્યો રે વાંસળીવાળો હોજી
લ્યો, મારા ભાઈબંધ, લ્યો, મારા ભાઈબંધ, વાંસળીની કોયલનો પાળો હોજી

બ્હેરાઓ શંખઢોલભૂંગળ ફૂંકે હો રામ, બ્હેરાઓ તાળીઓ પાડે હોજી
વાંસળીને જોઈ જોઈ ખીખી કરે ને રામ, બ્હેરાઓ કાખલી વગાડે હોજી

લ્યો, મારા ભાઈબંધ, લ્યો મારા ભાઈબંધ વાંસળીની કોયલને પાળો હોજી
વાંસળીને ઝીલો તો ઝિલાશે કાન; ગ્હેક ઝીલો તો ખૂલશે પતાળો હોજી

વાંસળીને જોઈ જોઈ ખીખી કરે હો રામ, બ્હેરાઓ બેઉ કાન મીંચે હોજી
બ્હેરાઓ શંખઢોલ ભૂંગળ ફૂંકે હો રામ, બ્હેરાઓ તાળીઓ ટીચે હોજી

કહેતાં કહેતાં જ સાવ કાગળની જેમ કંઠ વાંસળીવાળાનો સાવ ફાટ્યો હોજી
પાંચસાત બ્હેરાએ વાંસળી સહિત એને તંબૂની બ્હાર ક્યાંક દાટ્યો હોજી

(૧૯૭૨)0 comments


Leave comment