116 - મેં આ ચુંબન તરતું મૂક્યું / રમેશ પારેખ


મીરાં નદીની વચ્ચે મેં આ ચુંબન તરતું મૂક્યું,
હે દક્ષિણના પવન, હવે રખવાળાં એનાં કર તું.

પીડાસતીની દેરી જેવા ચશ્માં તગતગ થાય,
ગુલમહોરની ઋતુઓ અહીંયાં જીવ વધેરી જાય.

સાત પાનને છાંયે બેસી વૃદ્ધ થઈ આંગળી,
કળી ઊગ્યાનું સ્વપ્ન અડકતાં આંખો ભડભડ બળી.

ફરફોલા જેવો પડછાયો એક મળ્યો તે ઘણું,
હું તો કેવળ માખી પેઠે એના પર બણબણું.

જાન વળાવી પાછી ફરતી મા જેવા આ હોઠ,
દીકરી કરિયાવરમાં લઈને જતી પીડાની પોઠ.

હે ચુંબન, તારી વય સાતે દરિયા સરખી થાવ,
અને આઠમા દરિયા જેવો આવે ક્યાંક પડાવ.

પોષ સુદ અગિયારસ જેવા અભાવમાં થરથરતું;
મીરાં નદીની વચ્ચે મેં આ ચુંબન તરતું મૂક્યું

(૨૭-૧૧-૧૯૭૬ / શનિ)0 comments


Leave comment