117 - મિત્રને / રમેશ પારેખ


મિત્ર,
કાવ્ય એ તો તારી કબરના Monument-નો મુસદ્દો છે.
હજુ તારી પસંદગીને અવકાશ છે,
તો...

*

પંખીઓ પોતાની ફરતે ટહુકાનું કૂંડાળું દોરતાં હોય
એમાં ઝાડ જેવું ઝાડ કૂદી પડયું હોય, વિવસ્ત્ર,
ત્યારે,
ઘરમાં, શાલ ઓઢીને
રસ અને સિદ્ધાંતની મીમાંસામાં વ્યસ્ત
તારે સાક્ષરી બુઢાપો
દયામણું લાગે.

*

મેઘધનુષને બાંધેલી મુગ્ધતાની પણછમાંથી
છૂટેલી સન્નનનન્ આંખ
આકાશગંગાને વળોટતીક્... વળોટતીક્... વળોટતીક્...
હેય, મારા વૈભવની તને જાણ નથી...
મારું ફાટેલું પહેરણ ન જો, દોસ્ત.

*

કારણ? , અરધુંપરધું થઈ જતું અશોકવૃક્ષ
કે આંખોને ચાખીને ઊડી જતું પતંગિયું
કે બાળકના દૂધએંઠા હોઠ
કે સસલા જેવી રવરવતી આંખ જેવી સુવાસ
તને સ્પર્શી છે ક્યારેય?
એના સિવાય તે શું હોય
અહીં હર નવો શ્વાસ લેવાનું કારણ?

*
શબ્દ તે સિસ્મોગ્રાફ છે, ધરતીકંપનો.
મૂળે તે કવિતાની પાંપણ ફરકે છે.
હું વૈજ્ઞાનિક નથી.
સિસ્મોગ્રાફ વાંચવા હું અસમર્થ છું, અભણ છું, Homosexul નથી.
( કાલે કવિતાસુંદરી ને હું એક પથારીએ સૂતેલાં.)
*

લેખણ સગર્ભા હોય
ફલવતી ક્યારે થશે તેવી પ્રતીક્ષામાં
સકળ પ્રકૃતિ ટટ્ટાર ખડી હોય
ક્ષણાર્ધ હવા ય
નવજન્મના ખયાલમાં
વહેવું ભૂલી હોય
અખિલ વિશ્વ અધ્ધરશ્વાસ હોય
એ ક્ષણે
સંભવમાન શબ્દને પ્રસવ ઝીલી લેવા તત્પર તળાયેલા
ક્ષુદ્ર અને જડભરત હાથને
હું ભગીરથ કહીને વંદન કરું છું.
તારું હસવું મને નહીં ખૂંચે, મિત્ર.

*

હથેળીમાં જ્વારા ઉગાડીને
ભક્તિ પ્રકટ કરવી એ વાત અલગ છે.

ખબર પાડીને ચાહવું
એ દ્રોહ કહેવાય, પ્રેમનો.
અપ્રકટ રહેવાની ચીવટ પણ નહીં.
બિલકુલ સહજ –
એ જ શ્રેષ્ઠ, એ જ અપૂર્વ..

*

ખિસકોલીનું કાસળ કાઢીને
પાડાનું પૂજન કરે છો ને ?
કરો કરો.
એ તો કહો,
ખિસકોલીનું શબ ક્યાં સંતાડયું છે ?
હું નવોસવો શિખાઉ,
શબને દરરોજ દાટી આવું
ને શબ વૈતાળની જેમ આવીને છાતી પર પડ્યું જ હોય.
છેવટ છાતીમાં સંતાડી દીધું.
મરેલી ખિસકોલીની ગંધ
શાહી બની કલમમાંથી ટપકતી હોય
તો હું શું કરું?

*

તો મિત્ર,
કવિતા, એ તો...

(૧૨-૧૧-૧૯૭૭ / શનિ
૧૭-૧૧-૧૯૭૭ / બુધ
૩૦-૧૨-૧૯૭૭ / શુક્ર
૧૭-૦૭-૧૯૭૮ / સોમ)0 comments


Leave comment