118 - તે જ કહેવાની વાત / રમેશ પારેખ


હોઠ ન મારે હોત,
વાત હું કરત નેત્રથી.
હાથ ન મારે હોત,
સ્પર્શ હું કરત નેત્રથી.
નેત્ર ન મારે હોત,
હું નીરખત તને સ્ફૂરણથી.
ચરણ ન મારે હોત,
આપણે મળત ધારણા વચ્ચે.
નાક વિના હું શ્વસત સમયમાં તને.
અને હું કાન વગર પણ તને સાંભળી શકત લોહીમાં
લોહી વગર પણ તને હું મારા છ અક્ષરમાં પામત.
તોય હું અનુભવત મારામાં કોઈ ખૂણેખાંચરે તને,
પરંતુ આજ...

...આજ તો
મારી પાસે ભાંગ્યોતૂટ્યો પણ હું ક્યાં છું ?
(સંભવત : તું અહીં જ મારી પાસે બેઠી હોય...)
છતાં આ મારામાંથી મારા જેવો અન્ય કોણ
જે આમ બાવરોચોળ બનીને પૂછ્યા કરે કે,
‘સોનલ ક્યાં છે ?’

(૧૦-૦૧-૧૯૭૫ / શુક્ર)0 comments


Leave comment