119 - વન્ડર લૅન્ડ (માં ગુરુશિષ્ય સંવાદિકા) / રમેશ પારેખ


ગુ : આવો આવો આમ
હે માણસો તમામ
જુઓ, આંગળી ચીંધુ છું તે ભીંતસમું ચોગરદમ શું છે ?
શિષ્યો : (ડોક હલાવે)
ગુ : ખીખીખીખી
કંઈ ખબર નથી ?
ભઈ, એ તો કોઈ રાત અધૂરું રહી ગયેલું કરપીણ સપનું
ખૂલી આંખમાં આગળ આગળ ચાલ્યું તે છે, સમજ્યા ?
શિ : હં... અઅ... (ડોક હલાવે)
ગુ : આંખલોહીમાં ઝુમ્મર ઝૂલે નીહારિકાનું
નીહારિકાથી હોઠ લગી
આ પીળું શું પથરાયું
વત્સો, પીળું શું પથરાયું ?
શિ : લ્ લ્ લ્ લ્લાકડાનું ભૂસું...
ગુ : શાબ્બાશ
શિ : હેં હેં હેં હેં
ગુ : દાંત ન કાઢો – સામે લીલુછમ લવકે તે શું છે,
કહેશો, શું છે ?
શિ : (ડોક હલાવે)
ગુ : એ તો વાત્સો,
આંખ કાન પગ કાન વિનાની માતેલી માહિતી...
માહિતીઓ શ્વેતકેસરી લાલજાંબલી હોય
માહિતીને આઠ પગો છે, જોયું ?
માહિતીને આઠ હાથ છે, જોયું ?
જુઓ, આઠ હાથમાં શું શું પકડ્યું ?
શિ : દાંત કાઢતા ચ્હેરામ્હોરા...
ગુ : કોના કોના ?
શિ : લહિયાઓના
લયના લપ્પટ રસિયાઓના / ખસી થયેલા ખસિયાઓના વિચારનાં કાગળિયાં
કોરાં
પતંગદોર
ચાંદચકોરા / ખીરકટોરા...
ગુ : કોના કોના
શિ : ચશ્માળુના
મરમાળુના
ઘરબાળુના
લોહીબફારા
ગુ : કોના કોના
શિ : આકુળવ્યાકુળ પંખણીઓના
લોહી છીંકતી શંખણીઓના / ડંખક ડંખણીઓના
ગુરુ : માહિતીને આંખ હોય છે ?
માહિતીને પાંખ હોય છે ?
શિ : (ડોક હલાવે)
ગુરુ : માહિતીઓ શું શું કરતી ?
શિ : દાંત કાઢતી
ગુ : ખમ્મા...
શિ : તાજો વેશ કાઢતી
ગુ : ખમ્મા
શિ : સરડક સેડા કાઢે
ગુ : ખમ્મા સ્વભાવ એનો બહુ રમૂજી
શિ : બહુ રમૂજી ?
ગુ : હા હા, વત્સો,
ખોપરીઓ પર ટપલી મારે
શરતો મારે
બારીમાંથી હાઉક દઈને હબૂક પોળી
કાળીધોળી ઓળીઝોળી ચૂરમું ચોળી
બગલ વગાડે
ખોપરીઓ પર ટપલી મારે ટચાક
હીહી/બારીમાંથી ચૂરમું ચોળી/ટચાક હીહી
ટચાક હીહી.../હબૂકમાંથી કાળીધોળી બારી ચોળી/ ટચાક હીહી...
શિ : હીહીહીહી
ગુ : દાંત ન કાઢો – તમે તમારે ખભ્ભે
બોલો, શું ઊંચકીને ચાલ્યા ?
બોલો, - દફતરપાટી
શિ : નહિ
ગુ : નહિ ? –તો... સૂતરઆંટી ?
શિ : નહિ
ગુ : નહિ ? તો ઊંચકીને ચાલ્યા, વત્સો...?
શિ : કમ્મકમાટી
ગુ : કમ્મકમાટી ખભા પર ઊંચકીને વત્સો, ક્યાં જાવું છે ?
શિ : લિપિ સુધી
ગુ : લિપિ સુધી ? રસ્તો ભાળ્યો છે ?
શિ : (ડોક હલાવી) ખબર નથી...
ગુ : સાત કલ્પ વર્ષોથી હું કરું હજામત
તોય ન પામ્યો લિપિની લગભગતા
અવાજની રંભાએ મારા બ્રહ્મચર્યને લૂંટ્યું
કાળી વિચારની વિષકન્યાઓએ રૂંવે રૂંવે
ક્ષત કર્યો-તમારે ક્યાં જાવું છે ?
શિ : લિ...લિ...પિ...પિ...
ગુ : અરે મૂરખના જામ, આપણે ચરણો ક્યાં છે ?
મરકત મરકત હરણો ક્યાં છે ?
આંખહાથતા કર્ણો ક્યાં છે ?
કંઈક જેવું કંઈયે ક્યાં છે ?
દૂધે ક્યાં છે ?
દહીંયે ક્યાં છે ?
લખાણ નીચે સહીએ ક્યાં છે ?
લખાણ ક્યાં છે ?
ઘોડો ક્યાં છે ? ગમાણ ક્યાં છે ?
પલાણ ક્યાં છે ?
વહાણ ક્યાં છે ?
મસાણ ક્યાં છે ?
પ્રમાણ ક્યાં છે ?
અલમ્ ઇતિ
ઇતિહાસો બાંધો
અને રાફડા ગોખો
ઇતિ અલમ્
આપણે ઇતિહાસોનું અનુશીલન બસ અનુશીલન
ને અનુશીલનમય પરિશીલનતા
ધન્ય ધન્યતા ધનીએ
વત્સો, સહવીર્ય કરવાવહૈ –નું પુન: પુન:
પદ ઝીલો
શિ : સહવીર્ય કરવાવહૈ હીહીહીહી
ગુ : હીહીહીહી

(૧૧-૦૭-૧૯૭૧ / શનિ )0 comments


Leave comment