120 - કરફ્યૂકાવ્યો – ૧ – Demonstration / રમેશ પારેખ


હવાનો ઉપયોગ હથિયારની જેવો પણ કરી શકાય
એવું સરકારી સ્તરે ડેમૉસ્ટ્રેશન હતું
જેમ કે –
અશ્રુવાયુ...
એ ઘરરખ્ખુ ગૃહિણીઓ
શેરીમાં ફેંકાતા ટિયરગૅસ શેલને
સાક્ષીભાવે જોતી હતી.
તેવામાં જ તેમની છાતી પર જ ટિયરશેલ ફાટ્યા

અને ગૅસ
અને છાતીમાં અને ગળામાં છવાઈ ગયો
અને સરકારી લોકો તો...

ખેર, આટલું તો લગભગ સમજાયું
પણ પછી કે કંઈ બન્યું તે નહીં.

એ ઘરરખ્ખુ ગૃહિણીઓના હોઠ સખત ભિડાયેલા હતા.
અને આંખો ફાટેલી.
આંખોમાંથી સંભવત: આંસુ નીકળી પડવાને બદલે
આગની ભડભડતી લપટો નીકળવા લાગી...
દ્રશ્ય અને અદ્રશ્ય એવું ઘણુંબધું એમાં બળી ગયું...

જુઓ,
હું તમને આ તેની રાખ દેખાડી રહ્યો છું

(૦૯-૦૨-૧૯૭૪ / શનિ)0 comments


Leave comment