121 - કરફ્યૂકાવ્યો – ૨ – છૂંદણાંબહાદુરો / રમેશ પારેખ


અરે,
છોકરાઓને આ શું સૂઝ્યું ?
તેમણે પોતાની છાતીએ છૂંદણાં છૂંદાવ્યાં –
- સરકારી બુલેટથી.
અને તેના બદલામાં
પોતાનો જીવ આપી આવ્યા, માળા ઉડાઉ..
આવા
૫૦ (?) ઉડાઉ છોકરાઓની માતાઓએ
છોકરાઓને જેમાંથી દૂધ પિવરાવ્યું હતું તે પોતાની છાતીઓને
પથ્થર વડે
ધડૂસ ધડૂસ છૂંદી નાખી...
તોય તેના છૂંદણાંબહાદુર લાકડાઓ તો
સફેદ કપડા નીચે
ચુપચાપ સૂતાં જ રહ્યા...
તેમણે સહેજે સળવળવાની તસ્દી લીધી નહીં
(કેમ કે (?) –
- હવે કદાચ કદી પણ માતાની છાતીમાંથી
દૂધ પીવાની તેમને જરૂર રહી નહોતી)...

(૧૬-૦૨-૧૯૭૪ / શનિ)0 comments


Leave comment