122 - કરફ્યૂકાવ્યો – ૩ – નવી છાતી / રમેશ પારેખ


લગભગ તમામ રહેઠાણો
પોલીસ
કરફ્યૂ
આગ લૂંટે હુલ્લડ ચુપકદી કરફ્યૂ કલમ ૧૪૪ અને ગોળીબારના
પર્યાય બની ગયા
અને
૫૦ (?) જુવાન છાતીઓની આરપાર નીકળી ગઈ સરકારી બુલેટો
શિયાળ જેવું
ધીમુંછૂપું લુચ્ચું બીકણ અને ટાલિયું મૃત્યુ
બહાદુરતાપૂર્વક શેરીએ શેરીએ વિજયગર્જના કરવા લાગ્યું
અને
વસ્તી લપાઈ રહી ભયભીત બનીને
પોતાની કાળી બખોલોમાં
એવે વખતે
મારી પત્નીને પ્રસૂતિ થઈ.
આ જન્મોનો
આ બાળકના જન્મનો શો અર્થ હતો ?
બાળકની છાતી
અવતરી મૃત્યુના શાસનને ઉથલાવી પાડવા
કે
ભવિષ્યમાં સરકારી બુલેટનું નિશાન બનવા ?

(૧૪-૦૨-૧૯૭૪ / ગુરુ)0 comments


Leave comment