123 - કરફ્યૂકાવ્યો – ૪ Communication / રમેશ પારેખ


આ તરફ કરફ્યૂ
તો પેલી તરફ લોહીને ફ્યૂઝ ઉડાડી દેવાનું કાવતરું
કેટલાક પ્રસંગોનું જીવતા હાથબૉમ્બ સહિત ખુલ્લેઆમ ફરવું
દ્રશ્યોમાં ઠેરઠેર આગનું ભડકે બળવું
અને કવિ શ્રી ખાલીદાસનું તાકી રહેવું
*

શક્યતા કૃતનિશ્ચયથી બનીને
બધું બાળી દેવા ઘૂમતી હોય ત્યારે
કશું કહેવાય નહીં.
*

અફવાઓનું તો પર્વ હતું
*


કૉમ્યુનિકેશનનો તમામ પુરવઠો ફૂંકી મારવામાં આવેલો...
*

કરફ્યૂગ્રસ્ત એવા
શ્રી શ્રી ખાલીદાસ તો
પોતાનાં ઘરમાં ગુમસૂમ
ને
કોરા કાગળમાં મિલિટરીવાન પેઠે
લટારો મારે...
*

શેરીની એક સ્ત્રી ,
જેની છાતીમાંથી ધાવણ સુકાઈ જતાં
તેનું ત્રણ દિવસની ઉંમરનું ભૂખ્યું છોકરું રડતું હતું તેના માટે
દૂધ શોધવા નીકળી
અને સરકારી બુલેટે તેની છાતીને દૂધને બદલે લોહીથી દૂઝતી
બનાવી આપી
પોતાની બારીમાંથી મહાકવિ ખાલીદાસે તો માત્ર સાક્ષીભાવે જ જોયું
પણ
ખાલીદાસની જાણ બહાર તેનું એક આંસુ
લોડેડ ટૉમીગન જેવી કરફ્યૂની સત્તાને લાત મારીને
કોરા કાગળની ખુલ્લી સડક પર નીકળી પડ્યું
એ જોઈ
કવિકુલગુરુશિરોમણિ શ્રી ખાલીદાસ પોતાના ખોળામાં
હાથબૉમ્બ ફાટ્યો હોય તેવા હબકી ગયા.
શ્રી ખાલીદાસજીની નજીકમાં થયેલો આ પ્રથમ અકસ્માત્, જેમાં
પોતે પણ સંડોવાયા હોય.
આમ કાગળનું કોરાપણું
(કાં તો કાગળે પોતે કરેલા બળવાના કારણે)
ભીનાશની ખીચોખીચ ભીડથી ખરડાઈ ગયું...

(૦૯-૦૨-૧૯૭૪ / શનિ)0 comments


Leave comment