124 - મંદિરમાંથી કાઢી મૂક્યા પછી / રમેશ પારેખ


અભયમુદ્રાથી હવામાં વહેતી ધજા
હવામાં રંગોળી પૂરતો ઘંટડીનો અવાજ
છાતીમાં મંદિરનો સુંવાળો સ્પર્શ
હથેળીમાં પગે લાગ્યાનો ડૂમો
ધૂપ અને ઝાલરની સુગંધ
પાંપણમાં આરતી જેવાં ઝોલાં
એવું કશું હવે નથી.

મંદિરથી ક્યાંક છેવાડો અને એકલો
મંદિરમાંથી કાઢી મૂક્યા જેવો સાષ્ટાંગ બેઠો રહું.

ધજા પણ ડિંગો બતાવે
અને કશાકના અભાવથી દુભાઈને
હું મારા ટેરવાંને બચબચ ધાવું.
*

નદી ચાલી જતી હોય બિલોરી.
કાંઠે બેઠા હોઈએ.
પગ બોળ્યા હોય.
તળિયાંને કૂણું કૂણું પાણી પંપાળતું હોય.
આંખમાં ઊંચે ઊડતા પંખીનાં ગલગલિયાં થતાં હોય.
પંખીની પાછળ દોડાદોડી કરતું ઝાડ
પોતાના છાંયડા પાસે થાક ખાતું ઊભું હોય.
... ...

સોપો પડી જાય.
એકલું એકલું લાગવા માંડે
ધ્રાસકો પડે.
ભૂલા પડ્યાનાં ઝળઝળિયાં આવી જાય.
ખમીસનું બટનેય બંધ ન થાય અને રડી પડાય.
બસ...
અને ત્યારે ઝાડ પાછળથી મા દોડી આવે...
બકી ભરી લ્યે
છાતીમાં સંતાડી દે
તમે હીબકતાં
માને ખભે માથું ઢાળીને ઊંઘી જાય.
*

ઉનાળુ નદીની જેમ
દિવસોદિવસ
મા
સ્મૃતિમાં ક્ષીણ થતી જાય.
સન્નાટો વીંઝાય.
દુકાળની ધાસ્તીથી આંખ દોડી જાય
નકશામાંની નદી સુધી
અથવા
ભીંતે લટકતી પીળી પડતી જતી એક છબી તરફ.
*

મંદિર ખંડેર બની જાય.
એકાદ ખૂણોખાંચરો
આરતી કે ધૂપની કે પગે લાગ્યાની ગંધને વળગી રહ્યો હોય
એકાદ ઢેફા પર
ઝાલરના અવાજનું જાળું લટકતું હોય.
હોય તો આંધળી આંખ જેવું આકાશ જે
આપણા પગે લાગ્યાનું એકમાત્ર સાક્ષી હોય (કદાચ)
કેડથી વળેલા ડોસા જેવી સભાનતાના ખભે
આપણે બચકીમાંનું ચીંથરું બની પડ્યા હોઈએ.
*

મંદિરમાંથી કાઢી મૂક્યાનું યાદ ન હોય.
ટેરવાંને ધાવવાની તમને થઈ આવતી ઝાલર રણક્યા જેવી
લાગણી પાસે તમારી લકવાગ્રસ્ત જીભ ખોડાઈ હોય
એવામાં
કોઈ થપ્પડ જેવી મા સમાણી બબ્બે કટકા ગાળ કે
તેય કેવી વ્હાલીકુંજાર મા સાંભરે
(એવી રીતેય મંદિરનું અવાવરું નગારું કોઈ વગાડે)
પણ અહીં બધું શિષ્ટ છે.
અહીં કોઈ ગાળાગાળી કરતું નથી.
ગાળ બોલવી એ
બજાર વચ્ચે
ઊભા ઊભા મૂતરતાં પકડાઈ જવા જેટલી
શરમની બાબત છે.
*

મંદિરમાંથી કાઢી મૂક્યા જેવા તમારા પગમાં
ઝાલર રણક્યાના સાક્ષીની શોધનો રઝળાટ હોય
ત્યારે તમને તૂટેલી ચૂસણી જડે.
... ...
મને રસ્તામાંથી તૂટેલી ચૂસણી જડી.
એને વળગીને હું ધ્રુસકે ધ્રુસકે રોયો.
*

ફૂટપાથ પર
જ્યોતિષીની ચકલી પાસે પરબીડિયું ઉપડાવ્યું હોય
રૂંવાડે રૂંવાડે મંદિર વિષે નમાયાપણાની પીડામાંથી
ચકલી ‘તમને લૉટરી લાગવાના નસીબવંત યોગ છે’
એવું પરબીડિયું ખેંચી આપે
ઝાડ પર બેઠેલો કાગડો તમારા માથે ચરક ખંખેરતો ઊડે...
ચકલીવાળો જ્યોતિષી ખિસિયાણું હસે ને હાથ લંબાવે.
*

ગલૂડિયાંને ધવરાવતી કૂતરીને જોઈ
હમણાં ને હમણાં તેનું ગલૂડિયું બની જવાની હઠ કરી બેસીએ
તોય આપણને કોણ મનાવે ?
*

રસ્તામાં A to Z સ્ટોર આવે
આંખમાંથી વંટોળિયો પસાર થઈને સ્ટોરના પગથિયે ભટકાય
અટકેલા પગને તમ્મર ચડી જાય.
તમારા ડોળા તમારી ખાલી હથેળીમાં પછડાય
અને છતાંય
પછી તમારે આગળ વધવું પડે...
*

અંતે રાત્રે પ્રાર્થના કરો છો કે,
માનું એકાદ સપનું આવે.
નાના હતા ત્યારે હાલરડાંની તમને ટેવ
હવે ઊંઘની ટીકડીઓની આદત છે...
ટીકડીમાંથી તમને ઊંઘ મળે.
ક્યારેક સપનુંય જડે.
મા ક્યારેય જડતી નથી.
*

એકવાર ચોરીને પ્રસાદ ખાતાં પકડાયો.
મા કહે : તું સેતાન છે (ઘંટડી જેવું હસતાં હસતાં)
મેં ચાળા પાડ્યા : તું સેતાન છે... (અને ઘંટડી જેવું હસી પડે)
અને જુઓ, તમારી જેમ જ, હું આજે સાચો પડ્યો છું
(ઘંટડી જેવું હસી શકો તો હસો...)
*

હૉસ્પિટલના પગથિયે
કોઈ સગર્ભા છોકરીને
તમે
મંદિરમાંથી કાઢી મુકાયા જેવી નજરે જોઈ રહો છો.
તમારું કમલકોમળ ગર્ભાસન
મારી પેઠે તમને પણ સાંભરી આવે છે.
ત્યારે જ ચાલતાં ચાલતાં રસ્તો ઠેસની જેમ વાગે...
(ખમ્મા, ભાઈ... ખમ્મા...)
*
મંદિરમાંથી કાઢી મુકાયા જેવી આંગળી
શબ્દકોશમાં ગઈ
અને મા શબ્દ પાસે થંભી.
હવે ??
આ શબ્દકોશનો છેલ્લો અક્ષર કયો હશે ? કેવો હશે ?
હે આંગળી, હવે તું ક્યાં જઈશ ?
અને તમે
અનાથાલયના દરવાજા પાસે પછડાવ.
દરવાજો લાગલો પ્રશ્ન કરે
કે બોલ, તું અંદર છે કે બહાર ?
તો શો જવાબ આપશો ?
*
હું માના ગર્ભમાંથી જન્મ્યો એક વાર
હવે મા મારા લોહીમાંથી જન્મે છે વારંવાર,
મૃત.
(રન્નાદે, મારું વાંઝિયામ્હેણું ટાળ, રન્નાદે...)
*

તો તો મંદિરના ઓટલે રમવા ન જાઉં.
તારી છીંકણીની ડાબલીમાં સંતાઈ જાઉં.
તું બેઠી બેઠી ચપટી સૂંઘે ને સૂંઘાઈ જાઉં.
છીંક ખાય ને છીંકાઈ જાઉં.
ને હું તો ભુસાંગ દઈને પડું મા, તારા ખોળામાં...
*

મંદિરમાં તો હતી મેઘધનુષી સ્તનપરેડ.
ટટ્ટાર લિસ્સાં ને કઠણ સ્તનોની.
અને
મને દૂધ ન મળ્યું તેની
જીવતી ચામડી ઉતરડી લેતી શરમ...
સ્તનકપટમાં
હું હાર્યો.
રૂંવાડે રૂંવાડે ત્રમત્રમે છે પરાજયના વાઢ
તારાં સ્તન માટે વલવલું છું.
તારાં સ્તન ઢીલાં અને લબડતાં ભલે હોય,
જૂઠાં નથી.
મા, તું કાલાંઘેલાં સ્તનપૂર્વક હસે, ડારો દે, બકી ભરે,
હવે એ જ જોઈએ.
મંદિરમાં તો હતી સ્તનપરેડ.
મંદિરના જંતરડામાંથી મારે હવે ખેંચાવું નથી.
મા,
મને સ્તનપૂર્વક માફ કરી દે.
મને સ્તનપૂર્વક સંતાડી દે...

(જાન્યુઆરી ૧૯૭૪)0 comments


Leave comment