126 - રાવજીનો કાવ્યસંગ્રહ વાંચતાં / રમેશ પારેખ


બોલ રાવજી, કઈ તરફથી તને ઉકેલું
કઈ બાજુથી વાંચું

આ બાજુ તું મડદાની જેમ આંખોમાં તરતો લાગે
આ બાજુ તું ખાલીખમ નિ:સહાય બબડક ॐ
આ બાજુ તું લીલમલીલો
આ બાજુ તું ખરી પડેલી લીંબોળીઓનો
લચકો લાગે તું આ બાજુ
લાગે રાતો તું આ બાજુ
લાગે હળુક હળવો હળવો
આ બાજુ તું ભરચક ભરચક
આ બાજુ તું ખાલી મબલખ
આ બાજુ તું ઔષધ પીતો પોલંપોલો લાગે

ઢીંચણ ઉપર માંખ બેસતાં
કવિ, તમારી આંખોમાંથી દડી નીકળ્યા ડોળા
અમને વસમું વસમું ભાળે

આ બાજુ તેં હાથ વીંઝીને નક્ષત્રોની ડાળ નમાવી હેઠી ને
આ બાજુ તારી ખરી પડેલી હથેળીઓમાં ઘૂમરો માખી બેઠી/બેઠી
તને પજવતી
તને લજવતી
કવિ, કવિ હું લયનો કામાતુર રાજવી
અને મને તું વિષકન્યાનો લીલોઘમ્મર ભરડો
કડકડ તૂટે હાડકાં
વજ્રો તૂટે
ભટભટ લોહી બટકે
મને રાવજી અહીંયાં ડંખ્યો અહીંયાં ડંખ્યો
ઝીણું ડંખ્યો
ભીંતે ડંખ્યો
ઘરમાં ડંખ્યો
લયમાં ડંખ્યો

જીભે ડંખ્યો ઓ મા...
જીવમાં ડંખ્યો ઓ મા...
છાતી પર કરપીણ કુંડળી વાળી બેઠો ઓ મા...
ડંખ્યાનું પાંપણનો છેડો ટપ ટપ ચૂવે, ઝેર, અરેરે...
મારાં લીલાંઝેર રૂંવાડા એકબીજાને એકબીજાને વાંભવાંભનું ડંખે

એક તાળીએ જૂઠુંબૂઠું તારું મૈયણું ઝીલું
એક તાળીએ તને રાવજી, કઈ બાજુથી ઝીલું

તારે રૂંવે રૂંવેથી ફરફોલા
તારે રૂંવે રૂંવેથી વિયેતનામો દૂઝે
કહે રાવજી, ખરબચડો આ હાથ
હું તારા ક્યા રૂંવાડે મૂકું ?

રાવજી, લિપિની આ બળી ગયેલી સીંદરીઓ
જો, હજુય વળ ના મેલે
વાંચું કઈ બાજુથી અંગત
અંગત કંઈ બાજુથી વાંચું
તુંનો રેલ્લો કેટકેટલા હાથે પાછો વાળું
તુંનો રેલ્લો કેટકેટલા હાથે કહેને, લૂછું

હુંય રાવજી, બળીને ભડથું થયેલ મૂઈ ચકલી માટે
નગર નગર રઝળીને
જોને, ચપટીક રાઈ માગું...

(૦૮-૦૯-૧૯૭૧ / મંગળ)0 comments


Leave comment