127 - વૃદ્ધોનું ઋતુગીત / રમેશ પારેખ


ફળિયું સેવે આગણફાગણ વા-બારીમાં જાળાં
બંધ ઓરડા વચ્ચે વેર્યા ગીતોનાં પરવાળાં

છબી મહીંથી
બહાર નીકળવા તરફડિયાં મારીને
અંતે ચુપ થયેલા એક સખ્સના ટોળાની
સદ્દગતિ થજો, મા અંબા...
ખણખણ અરુંપરું અંધારું બબડે
તોરણની સળીઓમાં
કાળા હોઠ છજાના હલતા
ખંધા ચાર ખૂણાની વચ્ચે
કુંડળકવચ વિનાની સંધ્યા
રૌરવ રામનામમાં ખૂંતે
લથબથ છલકાતી કરચલીઓ નીચે
પલળે ઝીણા ડામ.

લાગલું ફળિયું મૂકે પોક
નમાવી હવસભરેલી ડોક
બારીઓ લપલપ શેરી ચાટે
ખીખી દાંત કાઢતા પરદા
ઝડભડ ચલમ તમાકુ જરદા
સાંકળો તમ્મર ખાઈ તૂટી પડે
ફાગણનું ટોળું
ધડાક દેતું કમાડ ખોલી
ઘરમાં સોપાટ દોડે
ને બત્રીસલક્ષણી ઝંખનાઓને સોયઝાટકી તોડે.
જો ને ફળિયું સેવે આગણફાગણ-વા બારીમાં જાળાં
નાભિમાંથી છટકી પડતી ચીસ ગળામાં ખૂંતે
ભેરુ, ઘરના ઘરડે હોઠે ઝૂલે ગીતોનાં પરવાળાં...

(૦૪-૧૨-૧૯૭૦
૨૮-૦૩-૧૯૭૧
૨૮-૦૮-૧૯૭૩)0 comments


Leave comment