128 - બાળપણાનું રૂસણું / રમેશ પારેખ


જા, નથી, પ્હેરવાં કપડાં
મારે નથી પ્હેરવાં
લે, ખમીસ..
લે, ચડ્ડી...
કપડાં નથી પ્હેરવાં...
પવન અને તડકોયે કપડાં ક્યાં પ્હેરે છે ?
ક્યાં પ્હેરે છે ખમીસચડ્ડી નાગુંપૂગું ઝરણ ?
જોને, ઝાડછાંયડી રોજ મળીને
ચોરસિપાઈ રમતાં
ભણવા કોણ જાય છે ?
ખિસકોલી ને મોર ચોપડી ક્યાં વાંચે છે ?
ફળિયાનો ઊંઘણશી લીમડો સાવ ઠોઠ છે
તોય કેટલો વ્હાલુડો છે ?
પતંગિયાં તો આઘ્ઘમ્આઘે જાય
વાદળાં નદીતળાવે ધૂબકે ધૂબકે ન્હાય
એમને કોઈ વઢે છે ?
બા, હું તારો નહીં નાનિયો
તું મારી બા નહીં
તને જા, ઇટ્ટાકિટ્ટા
મારે છેને, સાચુકલી બા પરી...
હું પ્હેરણ ફેંકી દઉં, લે...ડિંગો
ચડ્ડી ફેંકી દઉં, લે... ડિંગો
દફતર ફેંકી દઉં, લે...ડિંગો
જોજે, દરજી પાસે પાંખ ઘડાવી
મને પરી બા દેશે
ત્યારે આ બંદાનો વટ પડવાનો
ઘંટ વગડશે તોપણ
ભણવા નહીં જાવાનું
ખૂબંખુબ્બા તળાવમાં ન્હાવાનું
કાળો ચોર થવાનું
હાઉ કરીને તને રાતના બ્હિવરાવાનું
જાદૂમંતર છૂ થવાનું
તને થશે કે અરે, નાનિયો ક્યાં છે ?
- ત્યારે આઘ્ઘમ્આઘે
વાદળ પાસે ઊડી જવાનું
ઊડતાં ઊડતાં થાકી જઉં તો
તરત પરી-બાના ખોળામાં ડાહ્યોમાહ્યો
ઘસઘસ ઊંઘી જાઉં...

(૨૦-૦૯-૧૯૭૧)0 comments


Leave comment