129 - વૈજયન્તીમાલા અથવા ઠાકોરજીની છબીમાં / રમેશ પારેખ


(ટગર)
ફ્રેમના ચોરસમાં ગુંદરથી શીશી કોને ઢોળી ?
શહેર ચોંટી જાય
કીડી ને કુંજર ચોંટી જાય
ઝરણ ચોંટી જાય
હરણ ચોંટી જાય
પવન ચોંટી જાય
પ્રશ્ન પૂછો તો પ્રશ્ન ચોંટી જાય
જ્ઞાન ચોંટી જાય...
ફ્રેમમાં ચોંટ્યો નથી એમ કહેવું
તે કોઈને બીભત્સ ગાળ દીધી ગણાય
કેમ કે
ફ્રેમના ચોરસમાં ચોંટતી નથી કેવળ મૂર્ખતા.
ઍથેન્સવાસીઓ,
તમે તો જ્ઞાની છો...
*

(ગલગોટા)
ફ્રેમના ચોરસમાં ખોટું ખોટું બેઠેલો
ખોટ્ટું ખોટ્ટું ખોટ્યા જ કરે
સાચું સાચું બેઠેલો
સાચું સાચું સાચ્યા જ કરે...
છીંક ખાવાનીય સ્વતંત્રતા નહીં.
ઊધઈ લાગે
બગલમાં ખજવાળ આવે
કે કેવળજ્ઞાન થાય,
ખોટ્ટું ખોટ્ટું બેઠેલાએ
ખોટ્યા જ કરવાનું
સાચ્ચું સાચ્ચું બેઠેલાએ
સાચ્યા જ કરવાનું
ટગરબત્તી
મંથર મંથર સળગતી
ઓસરતી
ઓસરતી
ધુમાડાના શિસ્તપૂર્વક થતા ચોરસીકરણની સાક્ષીએ
ફ્રેમમાં સમાત્ય લે.
અને વૈજયન્તીમાલાની જે...
*

(સફરજન)
એક સફરજનને
ફ્રેમના ચોરસ વચ્ચે ઊગવાનું હોય
તો પોતાનું સંપૂર્ણ સફરજનત્વ લઈ ઊગી શકે ?
મને તો હું સફરજન છું એવો સનેપાત
ઊપડે છે.
મારામાં ઠળિયો છે, ઠળિયો...
કચડ કચડ કાચની કચુંબર ચાવું
મસ્તકાલયમાં ખણણણ ખખડે ચોરસાઈ
સાંય સાંય થતી આંખ પ્રસરે ફ્રેમમાં
ગોળમટોળ જ્ઞાન છોલાઈને ચોરસ બની જાય
જડબેસલાક કદદુનાં પીઠ્ઠું ચશ્માં –
- બશ્માં ખાણણણ ફેંકો
કરો સોયઝાટકી ને ધગધગતો ખુલ્લો બળવો...
ઠચૂક... ઠચૂક... ઠચૂક...
ચત્ત કે બઠ્ઠ ?
ઊછળેલો શ્રદ્ધાનો સિક્કો
ખડિંગ દઈને પડે ફ્રેમની તરફેણમાં
અર્જુનના ગુસ્સા જેવું યુયુત્સા
બૃહન્નલ્લા બનીને
જીલબ્બે જીલબ્બે
થા થૈ થૈ થક્
કચડ્ કચડ્ કાચની કચુંબર
દિવસ તો કે’ દિવસ
રાત તો કે’ રાત
ઠળિયો, ડૉકટર... ઠળિયો
મારા લોહીનું ગ્રુપ ૦ છે
મને ફ્રેમોફોબિયા છે, ફ્રેમોફોબિયા.
ડૉકટર, મારા જીવવાનો કોઈ ચાન્સ ખરો ?
*
(ચંપો)
ચોરસ માતા
ચોરસ બાપા
ચોરસ મારો હાથ રે
ચોરસ વચ્ચે ડબડબ ડૂબે
ચૌદ ભુવનનો નાથ રે...
*

મૂકો મૂકો વિચાર પડતા
મૂકો મૂકો સપનાં પડતા
મૂકો મૂકો પ્રાર્થના પડતી
મૂકો મૂકો આસ્થા પડતી
આ ફ્રેમની કારીગીરી અને ફ્રેમ બેઉ પારદર્શક છે
અને સાથે અપારદર્શક પણ છે

શ્રેય તો એ છે કે
વૈજયન્તીમાલા ધારણ કરીને ગોઠવાઈ જવું
બાકીનું બધું સંભાળી લેશે ફ્રેમ.
*

(ધંતૂરો)
હે ઍથેન્સવાસીઓ,
મને ઝેર-કટોરો પીતો નીરખવા એકત્ર થયા છો ?
ભલે.
આ કદાચ આનંદની ઘડી છે
(કોના માટે?)
ખેલ તો હમણાં પૂરો થશે.
વૈજયન્તીમાલા જેવા સૌના રસ્તા
પાછા વળશે ફ્રેમમાં.
રસ્તાનું ફીંડલું પડ્યું રહેશે.
હું ચાલ્યો જઈશ,
જઈશ એક નવી ફ્રેમમાં
ને વૈજયન્તીમાલા પહેરી
ઠાકોરજીનો ઠ બનીને વિરાજીશ.
...તો ઍથેન્સવાસીઓ,
ભ્રમમાં ન રહેશો.
સ્પષ્ટ અને સોંસરવું જોઉં છું
જોઉં છું કે લોહી ચોરસ છે
કરુણા, પ્રતીતિ અને પ્રેમ
વાતાવરણનું અંદર અને બહાર
ને કલ્પનાઓ
ને જ્ઞાનોની ટોચની પેલે પારના
બ્રહ્માંડોની કતારો
તમારા સ્વર્ગસ્થ પિતાની છબી જેમ જ
ઊંધમૂંધ ચોરસમાં લટકી રહ્યાં છે
વૈજયન્તીમાલા ધારણ કરીને.

(૨૪-૦૨-૧૯૭૫ / સોમ
૦૩-૦૩-૧૯૭૫ / સોમ)0 comments


Leave comment