130 - પ્રથમ રાત્રિ / રમેશ પારેખ


વંધ્યા અવાવરું ડિબાંગ હથેળીઓમાં
કેવી રીતે અવતર્યો ગુલમ્હોર વૃક્ષો
આ એ જ હાથ બટકી પડતા હતા તે
લીલાચટાક બસ આજ લીલાચટાક
ભૂલેચૂકેય કરું સ્પર્શ હું કાંકરીને
તો કાંકરીય ટહુકો થઈ જાય આજ.
સીધાં ચઢાણ ચડવા મથતી ન હોય
એ રીત ઊપડતી પાંપણ માંડ તારી
સામે મને (હું પણ ઢાળ જ હોઉં તેમ)
સ્પર્શે અને લપસી જાય સલજ્જ દ્રષ્ટિ
ચોમેર ચંદ્ર સુખપાંચમનો પ્રકાશે
આખ્ખાય રોમવનને ભરતો ઉજાસે
ઊભો ઊભો હું નવજાત બની જઉંને
મૂકી શરીર અળગું સરકી જઉં, ને...

(૧૦-૦૯-૧૯૭૫ / બુધ)


0 comments


Leave comment