132 - કતલખાનું અથવા તમે / રમેશ પારેખ


આ કતલખાનું છે
કતલ થનાર જીવંત શરીર
પોતે ચાલીને અહીં આવે છે
અહીં હાડકાંના કૉસ પર ખોપરીનું ચિત્ર
કે ચેતવણીનું ભડકાવી મૂકતું પાટિયું નથી.
કોઈનો પગ અહીં ખમચાતો નથી.

શાંતિ હોય છે અહીં.
આગંતુક શરીર
આ તખતા પર
પ્રથમ વાર આવ્યું હોવા છતાં એને
તાજા અભિનેતા જેવી સ્ટેજફાઈટ હોતી નથી.
જે પાત્ર અહીં પોતાને ભજવવાનું છે તે
કદાચ તેની સમજમાં આવી જાય છે.

અથવા પોતે બિલકુલ નિ:સ્પૃહ બની જાય છે,
આ કતલખાના સાથે પોતાનો બિલકુલ અલગાવ હોય તેમ.

આ તરફ
અજાણી દિશાઓમાં ઘાસની ગંધને ફંફોસતું એનું નાક
સ્હેજસ્હાજ ફૂલે
બીજી તરફ લાંબા મહાવરાની સાહજિકતાથી
યંત્ર ધમધમી ઊઠે
એની ડોકને વજન લાગે
ડોક નમે
ત્યારે એની આંખમાં સ્હેજ ધ્યાનભંગ જેવી મુદ્રા...
અથવા
કંઈક આશ્ચર્ય
અથવા
કંઈક...કંઈક...
ખટ્ટાક... ... ...
અને
શરીરના બે કટકા.
*

વાત આટલેથી જ ન પતે.
કપાયેલ શરીરના બે ટુકડાઓ તરફ
હળવે હળવે કોણ જાણે ક્યાંથી
બે મૃત્યુ
પ્રકટપણે આવતાં દેખાય
બેઉ (મૃત્યુ)
કપાયેલ શરીરનો એક એક ટુકડો
ઝડપ મારી મોંમાં પકડીને ચગળવા લાગે
ચાવે
વળી તોડે
અને કોશેકોશમાંથી લ્હેજતપૂર્વક
સત્વ ચૂસે.
ચૂસકી પર ચૂસકી ભરતાં રહે બન્ને
જ્યાં સુધી તેમનાં મોંમાં તરફડતું શરીર લાશમાં ફેરવાઈ ન જાય.
આખરે
સંતૃપ્તિપૂર્વક પોતાનાં કાળાં મોં ચાટતાં ચાટતાં
તમારા સામું ઘૂરકે
આંખોમાં આંખો માંડે
ત્રાટક કરે
અને તરાપ મારતાંક
તમારી આંખોમાં કૂદી પડે.
પછી આંખોનો ગર્ભ ખોતરવા માંડે
ઊંડે વધુ ઊંડે ઠેઠ તમારા સોંસરાં ઊતરી જાય
અને તમારા એક એક કોશનો કોળિયો કરવા માંડે.
તમને તેની ખબર ન હોય.
*

પછી તમે કતલખાનાની બહાર નીકળો
ત્યારે બિલકુલ ચમત્કારિક રીતે
પેલું કપાયેલું શરીર
તમારામાં જીવતું બની જાય
અને તમે
લાશ બની જાવ છો.
*

તમારી લાશમાં
એટલે કે તમારી છાતીમાં ભૂગર્ભમાં
ધડક્ ધડક્ એવો કૈં અવાજ સંભળાતો હોય તો
તે કતલખાનાનું યંત્ર ધમધમી રહ્યું છે, તેમ જાણવું.

(૨૪-૧૨-૧૯૭૨ / સોમ
૨૭-૦૨-૧૯૭૪ / ગુરુ)0 comments


Leave comment