133 - કતલખાનાના દરવાજે ફુગ્ગા વેચતો વૃદ્ધ / રમેશ પારેખ


આંખ પર લટકતી ચામડીને લીધે
મોં સ્હેજ વધુ ઊંચકીને જોતો વૃદ્ધ
સાંજે
સાંજનો ટેકો લઈ ઊભો હોય છે અને ધીમે ધીમે બોલતો હોય છે :
લ્યો, શરબતના દડા
લ્યો, મરઘીનાં પિલ્લાં.

રદ્દી ઢોરનાં કૅરિયરો કતલખાનામાં ઠાલવીને
પાછા વળતા વેપારીઓ
કમાયા હોય તેથી તેઓને વૃદ્ધનું બોલવું સાંભળી ગમ્મત થતી.
સાંજ ખુશનુમા હોય,
હવા ખુશનુમા હોય, ખિસ્સું ખુશનુમા હોય
એટલે ભૂલકાંઓ માટે ફુગ્ગા ખરીદવા ઊભા રહેતા.

હરીફ નહીં
એટલે વૃદ્ધને કમાણી થતી.

કતલખાનું રજા પાળે
તે દિવસે વૃદ્ધ બેચેન રહે છે,
કમાણી ન થાય, માટે.
એ હમેશ પ્રાર્થના કરતો રહે છે કે
કતલખાનું કદીય બંધ ન થાય.

મૃત દીકરાના દીકરા માટે
મૃત દીકરાની જુવાન પત્ની માટે
વૃદ્ધ ઘરવાળી માટે
અહીં ફુગ્ગા બેચવા ઊભો રહે છે.
ગ્રાહકને જોતાંવેંત
તેનું હવા વિનાની કોથળી જેવું શરીર
ઘડીક તો
મરઘીનું પિલ્લું ને આંખો શરબતના દડા
થઈ જાય.

(૦૪-૦૪-૧૯૭૫ / શુક્ર
૩૦-૦૪-૧૯૭૫ / બુધ
૨૨-૦૫-૧૯૭૫ / ગુરુ)0 comments


Leave comment