134 - હે તેત્રીશ કોટિ દેવતાઓ / રમેશ પારેખ


હે તેત્રીશ કોટિ દેવતાઓ...
તમારી સાક્ષીએ
અહીં મારા ધરમવેડાં ટાંગું છું.
કારણ કે
મને કારણની કોઈ ખબર નથી.
આપ ભગવાનની આજુબાજુ
નિર્માલ્ય ફૂલો છે
તે મેં
હે, કાગળપતાકાઓ, તમે વહેતું જળ બનો
અને હું મત્સ્ય બનું
એવી પ્રાર્થનાછાપ લાલચલલકથી અભિષેક્યાં હતાં.
પણ છઠ્ઠી મોરપીંછ પતાકાઓ આંખ મારી –
એ નાઘોર પાપની સજા
તમામ લાલચલલક બળી ગયા જેવી થઈ.
*

તોપમાંથી ભડિમ્ દઈ ભવિષ્યમાં ફેંકાઈ પડું,
ટ્રેનના કચ્ચરઘાણ મૂળામોગરીને તોલ,
બૉમ્બના બૉમ્બ સેવઉસળમાં હજમ જેવો હું
દીવાબત્તીએ બળું.
*
અરીસાની આરામગાહમાં હચકડચક હેડકી જેવું
એક પ્રતિબિંબ
અનારકલી છું સલીમ તારી
એવું એવું બીભત્સ વળગ્યા કરતું રહે છે.
*

વેપલો કર્યો ? હા કર્યો
પંચકેશ વધાર્યા, હા હા, વધાર્યા ને...
બાબલાનું નામ બંટુ પડ્યું, (very good).
માછલી ખાધી... (ખવાય, ખવાય...)
નૉનવેજ જૉક્સ... (એ તો હોય જ ને ?)
બસ.
નાકમાંથી કશું ખર્યું
છાપામાં પુણ્યસ્મૃતિનો ફોટો
*

રક્તપ્રાન્તમાં છેલ્લે દીવે બેઠો છું
એ જોવા કે આ ગુનામરકી
શેનું ઍન્ટિસિપેશન છે
*
જાણ્યું,
સુંદરને ચાહવાની પીડા સુંદર હોય;
જાણ્યું,
એકલતાને ચાહી ચાહી સુંદર બનાવી શકાય;
જાણ્યું,
સુંદરતા નામની છોકરી બેવફા છે,
પણ નથી શું ?
શું આ બધું જાણવા હું મારી જાતને બોધિવૃક્ષ બનાવી
કષ્ટાઈ રહ્યો છું ?
કેવળ આ જાણવા જ ?
*

લખોટીની જેમ
સ્પર્શગંધસ્વાદ અર્થક્રિયા તેં રમવા આપ્યાં
તો તેનાથી રમ્યા.
પણ આ છિનાળ, પાંચમાં પરિમાણની ચળ,
જે બારીમાંથી સીટીઓ મારીને બોલાવે છે એનું શું ?
એ તો લોહી સુધી પૂગે;
લોહી ખંજવાળ્યા કરું :
દિવસો સુધી પૂગે;
દિવસો ખંજવાળ્યા કરું :
એ તો ઠેઠ મારા સુધી પૂગે;
મને ખંજવાળ્યા કરું ?
શાનાથી ? તમને ખબર છે,
મારો જન્મ થયો તેની ખુશાલીમાં
મારા નખ તમે લાવલાવ તરીકે
ઉપાડી ગયા છો.
રસ્તો નથી. તો –
મને ઠેકીને હું ચાલ્યો જઉં એ જ ઠીક છે.
*

ઠેકવું છે ને !
ઠેકવું તો છે જ.
ઠેકીને ભાગવું છે ને !
ભાગવું તો છે જ.
ચુપચાપ.
વિચાર સ્હેજેય હલી ન જાય તેવી હળવેશથી.
મનેય ખબર ન પડે એવી આસ્તેથી
છોડનો વિકાસ અટકી જાય એવી સિફતથી
આ અસંખ્ય ધરમવેડાના ઘોંઘોંકાર નીચેથી
મારે મારી ઇંટ ખેસવી લેવી છે,
પછી...
*

આ ટાંગ્યાં ધરમવેડાં.
સબડું તો ભલે સબડું રૌરવમાં,
મારાં રક્તપિત્ત મને ચાટવા દો.
સંકોડો, સંકોડો.
ખુશીથી. તમારું દેહતિલક નાક, સંકોડો.
મરેલી માતાના સ્તનને ધાવતું પ્રાણી હોઉં તોય
કમસેકમ
તમારી દયાને પાત્ર નથી; નથી થવું.
તમે આગળ જાવ, આગળ,
અને કાં તમારી સામાજિકતામાં જાવ.
*

બજાર ઊઠી ગઈ છે.
નાચમુજરા ખતમ થયા છે;
બન્નીબાઈ ફાંસો ખાઈ બળી મરી,
લયની માને ચોર લઈ ગયો ધાગેધીરકિટ ઘા...
*

અલવિદા, નપુંસકો... અલવિદા.
મારી પીડા, શણગાર ઉતરડે છે તે બનાવની રૂબરૂ
ભીંતને, તબિયત સારી છેને, પૂછું તે મજાકની રૂબરૂ
જાહેર કરી દઉં છું કે
તમારાં વાહતાળીને બગલમાં ઘાલી
તમે તમારા કાન તથા જ્ઞાનને અહીંથી હાંકી જાવ.
*

હાક્ક છીં...

(૧૬-૧૧-૧૯૭૧ થી ૦૯-૦૧-૧૯૭૨)0 comments


Leave comment