135 - એક નવોઢાનું મરસિયું / રમેશ પારેખ

તમને મરતક આવ્યાં : અમને આંબે આવ્યાં મ્હોર.
લોહી ભીંસમાં
વીંછી ડંખે
શેરી... પગરવ...
ટૂંપો ટૂંપો
છોળ મારતા પંખીના કલશોર...
તમને મરતક આવ્યાં : અમને આંબે આવ્યાં મ્હોર.

બંધ ઓરડા
હાવળ્ય દેતા
તંગ ડાબલા
ધૂળ ઊડતી
જીવપણામાં
સાંસ તતડતા
ન્હોર ભરાવે ન્હોર...
તમને મરતક આવ્યાં : અમને આંબે આવ્યાં મ્હોર.

જાવ, પંથને
દેશવટા દ્યો
આંખ્યું બટકે
છાતી બટકે
રેશમ સાંજ અટારી બટકે
વાત બપૈયા બારી બટકે
દરવાજાને
ભોગળ ભીડો
ભીડો ભીડો
ભોગળ ભીડો
સૂરજ નીચે
બળવા મેલો
ભડભડ આઠે પ્હોર
તમને મરતક આવ્યાં : અમને આંબે આવ્યાં મ્હોર.

(૦૭-૦૧-૧૯૭૧ – ગુરુ)0 comments

Leave comment