136 - હનુમાનપુચ્છિકા / રમેશ પારેખ


એક હતો રાજા
એને ત્રણ રાણી
બે નહોતી ને ત્રીજી હતી જ નહીં
તેનું એક આલિશાન રાજપાટ
અડધું છાનું અડધું છતરાયું
એમાં એક્યાસી ગામ
અડધા ખાલી ને અડધામાં વસ્તી જ નહીં
ત્યાંથી આગળ ચાલતાં આવે
મારું ઘર
ઓરસચોરસ મોકળું ને ચાર ભીંત જ નહીં
એમાં આઠ ઓરડા
અડધા નહીં ગણવામાં ને અડધા નહીં ચણવામાં
આઠમે ઓરડે મારો ઢમ્મરઢોલિયો
જેની ઈસ/પાંગત ગુમ ને ચાર પાયા ખૂટે
ઢોલિયે સૂતેલા મને સપનું આવે
(આવે બાપ, આવે...)
- કે હાથણીએ ઢોળ્યાં કળશ
ને રૈયતે ઢોળ્યાં રાજપાટ
તે હું રાજા રાજા થઈ ગયો
ને મારે એકસો ને આઠ રાણી
આઠ નહોતી ને સો હતી જ નહીં
અને મારું આલિશાન રાજપાટ
અડધું દટ્ટણમાં અડધું પટ્ટણમાં
એમાં પંદરસેં ગામ
અડધા ખાલી ને અડધામાં વસ્તી જ નહીં
ત્યાંથી આગળ ચાલતાં આવે
મારો મહેલ
જેના પાયા આકાશમાં ને શિખર પાતાળમાં
મહેલમાં અતરીશબતરીશ ઓરડા
અતરીશ ગણવાના ને બતરીશ ચણવાના
જેની ઈસ/પાંગત ક્યાં ને ચાર પાયા જ લાવ
ઢોલિયે સૂતો સૂતો હું
ચક્રવર્તી મહારાજા થઈ ગયો
ન તરત મેં મારાં ચક્રવર્તીવેડાં શરૂ કર્યા :
*હોડીઓને આજ્ઞા દીધી કે હવેથી તેણે કદી ડૂબવું નહીં
*વસંત નામની ઋતુને આજ્ઞા દીધી કે એણે રાજપાટની બહાર કદી જવું નહીં
*ઇતકવીતકમાં વિચારવાના રૂડા રસ્તા બંધાવ્યા
*હમણાંની પેલે પાર જવા રૈયતને કૂણીકૂણી પાંખો ઉગાડી
*ઠેરઠેર રૈયતની જન્મકુંડલીઓ સુંદર બનાવી
- પછી તો પંખીઓ રૈયતની છાતીમાં વાસ કરવા લાગ્યાં ને હરણો રૈયતના પગમાં...
- એક ઢંઢેરે રૈયતને ખોબે ન ધોબે હસવાનું વહેંચ્યું
- એક ઢંઢેરે રૈયતની આંખોમાં આવે તે સપનું હાજરાહજૂર બની જાય તેવી ચાંપો ગોઠવી
- ને છેવટે, .... .... ...
ભાઈ, આ વારતા છે...
ધારીએ તો હજુય લંબાવી શકાય
કે એક હતો ચક્રવર્તી મહારાજ
ને તેને એક હજાર નવસો ને તોંતેર મહારાણી...
પણ થોભો,
ધારો કે મારે બદલે તમે હો
અને હાથણીએ તમારા પર કળશ ઢોળ્યાં હોય
રૈયતે તમારા પર રાજપાટ ઢોળ્યાં હોય
ને તમે ચક્રવર્તી મહારાજા થઈ ગયા હો
તો તમે કેવાં કેવાં ચક્રવર્તીવેડાં કરો...
હેં ભાઈ, તમે કેવાં કેવાં ચક્રવર્તીવેડાં કરો ?

(૨૮-૦૩-૧૯૭૩ / મંગળ
૩૦-૦૯-૧૯૭૩ / રવિ)0 comments


Leave comment