7 - જાણે છે બધું / જયેન્દ્ર શેખડીવાળા
કોણ જાણે કઈ રીતે આકાશ જાણે છે બધું
ઓગળેલી આ ક્ષણો, આ શ્વાસ જાણે છે બધું
આપણા સંબંધનાં ઊંડાણથી જે નીકળે
એ કવિતામાં થરકતા પ્રાસ જાણે છે બધું
સ્પર્શનો મહિમા પૂછો : દરિયાને, મારી આંખને
જળવિહોણી નાવનો પ્રવાસ જાણે છે બધું
હું તને ઝાકળ કહું? મોતી કહું? કે જળ કહું?
મૌનમાં ભીંજાતા અર્થો ખાસ જાણે છે બધું
શબ્દનાં શિલ્પો કિરણ જેવાં કહો શાથી હશે?
જળ ઉપરના સૂર્યનો સહવાસ જાણે છે બધું.
0 comments
Leave comment